BREAKING NEWS

રાજકોટ સહિત ચાર એરપોર્ટને ઇન્ટરનેશનલ હબ બનાવાશે, જાણો બીજા ક્યાં એરપોર્ટનો સમાવેશ

  • April 25, 2026 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દુબઇ, દોહા, સિંગાપોર તથા ફ્રેન્ક ફર્ટ જેવા વિદેશી એરપોર્ટની જેમ પ્રવાસીઓના નિર્વિઘ્ન સરળ ટ્રાન્સફર માટે ભારતમાં પણ રાજકોટ સહિત ચાર વિમાની મથકોને ઇન્ટરનેશનલ હબ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટ પર 1લી જુનથી પ્રોજેક્ટ ચાલુ થઇ જશે, રાજકોટ સહિત અન્ય ત્રણ વિમાની મથકોએ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.


ઇન્ટરનેશનલ હબ બનાવવા માટે હબ એન્ડ સ્પોક મોડલ વિકસાવવામાં આવે છે જે લાગૂ થઇ ગયા બાદ વિમાની પ્રવાસીઓ સુવ્યવસ્થિત વ્યવસ્થા હેઠળ જુદા-જુદા શહેરોમાંથી આવીને વિશ્વના દેશોની ફલાઇટ પકડવા અન્ય એરક્રાફ્ટમાં પહોંચી શકશે.


કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય પ્રથમ તબકકે રાજકોટ ઉપરાંત દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઇના છત્રપતિ શિવજી તથા બેંગ્લોરના કેઆઇએ એરપોર્ટ પર આ પ્રોજેક્ટ અમલી બનાવશે અને પછીના નવા એરપોર્ટમાં પણ લાગૂ કરાશે.


ભારતીય એરપોર્ટ પર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે જ એટલે નવું મોડલ લાગૂ કરવામાં સરળતા રહેશે. ઉડ્ડયન મંત્રાલયના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટ સહિતના ચારેય એરપોર્ટ માટે અન્ય સ્પોક પાર્ટનર શહેરોની ઓળખ કરવામાં આવી રહી છે જે ઇન્ટરનેશનલ હબની ગણના ધરાવતા એરપોર્ટના સ્પોક ભાગીદાર બનશે.


એરપોર્ટના સીનીયર અધિકારીના કહેવા પ્રમાણે આ મોડલ વ્યવસ્થા હેઠળ, ઉદાહરણ તરીકે, રાયપુરથી વાયા રાજકોટ થઇને ઓમાન જવા માગતા પ્રવાસીનું રાયપુરમાં જ કસ્ટમ અને ઇમીગ્રેશન ક્લીયરન્સ થઇ જશે અને અન્ય કોઇપણ પ્રકારની ઝંઝટ વિના રાજકોટથી ઓમાનની મુસાફરી કરી શકશે. આ મોડલ હેઠળ સુરક્ષા, કસ્ટમ, ઇમીગ્રેશન જેવા બાબતો આવતી હોવાથી ઉડ્યન મંત્રાલય કેન્દ્રીય ગૃહ ઉપરાંત નાણાં અને વિદેશી બાબતોના મંત્રાલય સાથે સંક્લન કરી રહ્યું છે.


એર ઇન્ડિયા, ઇન્ડિગો તથા અકાશાએ દિલ્હી, મુંબઇ તથા બેંગ્લોરને તેના ચાવીરૂપ મથક ગણાવી લીધા છે. ઇન્ડીગો તરફથી હવે રાજકોટને ડોમેસ્ટીક ફ્લાઇટની કનેક્ટીવીટી વધારવામાં આવશે. ઉપરાંત ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવશે.


સમગ્ર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક સીનીયર અધિકારીએ કહ્યું કે રાજકોટના હબ વિશે ઇન્ડીગો ઉડ્યન મંત્રાલય સાથે વાતચીત કરી રહ્યું છે. ઓમાન જેવા અખાતી દેશોનું અંતર રાજકોટ એરપોર્ટથી માત્ર બે કલાકનું રહી શકે છે. સમગ્ર સૌરાષ્ટ્રનું રાજકોટ પાટનગર છે અને ઔદ્યોગિક તથા કોમોડીટી ક્ષેત્રમાં મોટું યોગદાન ધરાવે છે. રાજકોટથી આવક-જાવકનો કાર્ગો વ્યવહાર પણ ઘણો મોટો છે એટલે રાજકોટને પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવ્યું છે.


રાજકોટના હિરાસર સ્થિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ત્રણ વર્ષ જેવો સમય થવા આવ્યો હજુ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ શકી નથી. અનેક રજુઆતોનું કોઇ પરિણામ આવ્યું નથી પરંતુ નવા પ્રોજેક્ટને પગલે તૂર્તમાં શક્ય બની શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application