રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં કૃષ્ણનગરમાં રહેતા દંપતિએ સોમવારની રાત્રે અટિકા ફાટક નજીક આવેલા પોતાના લસણના કારખાનામાં ગળેફાંસો ખાઈ સજોડે આપઘાત કરી લીધાના બનાવમાં પોલીસે મહિલા સહીત પાંચ વ્યક્તિઓ સામે અજગરી વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરી રાત-દિવસનું તોતિંગ વ્યાજ વસુલવામાં આવતું હતું અને એક શખસે ફોરવ્હીલ પણ પડાવી લીધી હતું આ બધાના ત્રાસથી કંટાળી અંતે આપઘાત કરી લીધો હતો, હોવાનું ખુલ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ કૃષ્ણનગર શેરી નં-12માં રહેતા અને અટિકા ફાટક પાસે લસણ ફોલવાનું કારખાનું ધરાવતા રમેશભાઈ માવજીભાઈ ચાવડા (ઉ.વ.40) અને તેના પત્ની ભારતીબેન (ઉ.વ.40)એ સોમવારે રાત્રીના ઘરેથી રડતા રડતા બાઇકમાં નીકળી અટિકા ફાટક પાસે આવેલા કારખાનામાં જઈ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે ભકિતનગર પોલીસ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતકના પિતા માવજીભાઈ કાનજીભાઈ ચાવડા (ઉ.વ.68)ની ફરિયાદના આધારે ગોગન કારા બંધીયા, નિશા બુખારી, નિઝામ અબ્બાસભાઈ ઘૂઘા, અજયસિંહ અને તેના વ્યાજના પૈસા માટે રમેશભાઈની કાર લઈ જનાર બાપુ આ તમામ પાંચેય સામે ગુનો નોંધ્યો છે.
આપઘાત પૂર્વે રમેશભાઈ તેના મોટાબાપુના દીકરા લક્ષ્મીદાસભાઈના ગેરેજે જઈ સઘળી વાત કરી હતી કે, મારે આઠ લાખ રૂપિયાની જરૂર છે, ગોગન બંધીયા પાસેથી આઠ લાખ વ્યાજે લીધા છે તેમાંથી એક લાખ આપી દીધા છે અને કાલ સુધીમાં બાકીના સાત લાખ નહીં આપું તો રોજનું 70 હજાર વ્યાજ વસૂલશે, અત્યારે પણ તેના 42 હજાર રોજ ભરું છું, ત્રણ મહિના પહેલા ગોગન પાસેથી નિશાબેન બુખારી મારફતે 4.50 લાખ વ્યાજે લીધા હતા. બાદમાં કટકે કટકે વ્યાજ સહીત રૂ.21 લાખ ચૂકવી દીધા હતા. એમ છતાં છેલ્લા ચારેક દિવસથી હજુ 20 લાખની માંગણી કરી રહ્યા છે. પૈસાની સામે બળજબરી પૂર્વક લખાણ પણ કરાવી લીધું છે અને કોરા ચેકમાં સહીઓ કરાવી તે પણ લઇ લીધા છે, નિશા બુખારી ગુંદાવાડીમાં કપડાંની દુકાનમાં કામ રે છે તેની પાસેથી 4.50 લાખ લીધા હતા તેની સામે 15 લાખ ચૂકવી ચૂકવી દીધા છે. છતાં હજુ રૂ.9 લાખ લેવાના હોય તેવું લખાણ કરાવી લીધું છે, પોપટપરામાં રહેતા નિઝામ પાસેથી એક લાખ વ્યાજે લીધા હતા. જેના દરરોજ રૂ. 4 હજાર વ્યાજ ચૂકવું છું, અત્યાર સુધીમાં 1.20 લાખ ચૂકવી દેવા છતાં વધુ પૈસા માગી હેરાન કરે છે,
અજયસિંહ પાસેથી બે લાખ લઇ વ્યાજ સહીત ચૂકવી દીધા હતા છતાં ફોન કરી અને કારખાને આવી ઉઘરાણી કરે છે, બીજા એક અજાણ્યા શખ્સ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા, તે ચુકવી પણ દીધા છે, એમ છતાં સેલેરીયો કાર લઇ ગયા બાદ પરત આપતો નથી, આમ તમામ વ્યાજખોરોથી કંટાળી ગયો છું તેવી વાત કરી હતી. પોલીસે વૃધ્ધની ફરિયાદના આધારે તમામ સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.