BREAKING NEWS

રાજકોટમાં મેરેજ બ્યુરોની આડમાં કુટણખાનું ચાલતું, ઓફિસમાં જ ગાદલા નાંખી માતા-પુત્ર દેહવ્યાપાર કરાવતા

  • October 27, 2026 05:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં સ્પા અને હેલ્થ સેન્ટરની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયા બાદ હવે મેરેજ બ્યુરોની આડમાં ચાલતા દેહવ્યાપારની પ્રવૃત્તિનો પોલીસે પર્દાફાશ કર્યો છે. વિરાણી ચોક પાસે આવેલા ગુરુરક્ષા કોમ્પ્લેક્સની ઓફિસમાં મેરેજ બ્યુરોની આડમાં લોહીનો વ્યાપાર ચાલતો હતો. એએચટીયુની ટીમે દરોડો પાડી સંચાલક માતા-પુત્રને ઝડપી લીધા હતાં.


શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલિક, ડિસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પીઆઈ પી.એન.પઢિયારની રાહબરીમાં પીએસઆઇ એસ.પી.ચૌહાણ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, વિરાણી ચોક પાસે આવેલા ગુરુરક્ષા કોમ્પ્લેક્સની ઓફિસ નં. ૨૦૭માં એક મેરેજ બ્યુરોની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. જેથી પોલીસે ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરી ઓફિસમાં દરોડો પાડ્યો હતો.


અહીં મેરેજ બ્યુરોનો માલિક ગ્રાહકો પાસેથી ૧૦૦૦ ઉઘરાવીને ઓફિસમાં જ દેહ વિક્રય માટે રાખવામાં આવેલી અલાયદી રૂમમાં મોકલતો હતો. આ દરોડા દરમિયાન ઓફિસ સંચાલક જયશ્રીબેન ઉર્ફે મીનાબેન ચેતન પુજારા (ઉ.વ. ૫૧) અને તેના પુત્ર મીત ચેતન પુજારા (ઉ.વ. ૨૨), (બંને રહે. શારદા એપાર્ટમેન્ટ, ફર્સ્ટ ફ્લોર, બ્લોક નં. બી/૨, નીલકંઠ ટોકીઝની બાજુમાં, કોઠારીયા રોડ) મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.


પોલોસે દરોડા દરમિયાન એક યુવતીને મુક્ત કરાવવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી રોકડ મોબાઈલ ફોન મળી કુલ ૮,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ધી ઈમોરલ ટ્રાફિકીંગ (પ્રિવેન્શન) એક્ટની કલમ ૩, ૪ અને ૫ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.


આ કામગીરીમાં એએસઆઈ અજયકુમાર શુક્લા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ મકરાણી, કોન્સ્ટેબલ હસમુખભાઈ બાલધા, મહેશ ગણેશપ્રસાદ પ્રસાદ, ભુમિકાબેન ઠાકર અને સૂર્યકાન્તભાઈ જાદવ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું.

મહિલા અન્ડર બ્રિજ પાસે ફ્લોરેન્સ વેલનેસ સ્પામાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હતી

એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે કાલાવડ રોડ પર, મહીલા કોલેજ ચોક નજીક કોસ્મો કોમ્પ્લેક્સના પાંચમા માળે ઓફિસ નં. ૫૦૧ માં ‘ફ્લોરેન્સ વેલનેસ સ્પા’ ના સંચાલક દ્વારા બહારથી યુવતીઓ રાખીને, મસાજના નામે ગ્રાહકોને બોલાવીને અનૈતિક દેહવ્યાપારનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે ટીમે ડમી ગ્રાહક તૈયાર કરી દરોડો પાડ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું કે સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ધમધમી રહી હતી. ગ્રાહકો પાસેથી સ્પામાં પ્રવેશ માટે ‘એન્ટ્રી ફી’ તરીકે ૧૦૦૦ રોકડા લેવામાં આવતા હતા. ત્યારબાદ સ્પાની અંદર આવતા ગ્રાહકો સાથે શરીર સંબંધ બાંધવા માટે ગ્રાહક દીઠ ૨૫૦૦ અલગથી ‘એક્સ્ટ્રા સર્વિસ’ ના નામે વસૂલવામાં આવતા હતા. સંચાલક પોતાના અંગત આર્થિક લાભ માટે અન્ય નિર્દોષ યુવતીઓ પાસે આ અનૈતિક ધંધો કરાવીને કમાણી કરતો હતો.

દરોડા દરમિયાન પોલીસે સ્પામાંથી રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી સ્પા સંચાલક ગણેશ લક્ષ્મણજી મીના (ઉ.વ.૨૩, રહે. ઘટીફલા સસઇ, ઉદયપુર, રાજસ્થાન) ની ધરપકડ કરી છે. આ સાથે જ પોલીસે સ્પામાં ફસાયેલી ત્રણ યુવતીઓને મુક્ત કરાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News