રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. ૨, ૩, ૭, ૧૩, ૧૪ અને ૧૭ હેઠળના વિવિધ વિસ્તારોમાં રહેણાક સોસાયટીઓની શેરીઓથી મુખ્યમાર્ગો અને બજારોના રસ્તા ઉપર ડામર કાર્પેટ, રી-કાર્પેટ અને ડિઝાઈન રોડ બનાવવા માટે રૂ.૪૫.૭૬ કરોડના એસ્ટીમેટ સાથે ઇ-ટેન્ડર પ્રસિધ્ધ કરાયું છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, ગત ચોમાસામાં સેન્ટ્રલ ઝોનના મોટાભાગના રસ્તાઓ ખરાબ થયા હતા ત્યારે તંત્ર દ્વારા ફક્ત પેચવર્ક કરીને કામચલાઉ રિપેરિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ વાહનોની અવરજવર અને ભારે વરસાદને કારણે ફરી ખાડા પડી ગયા હતા. હવે તંત્ર દ્વારા નવેસરથી પેવર કરવાનો નિર્ણય લેવાયો છે.નોંધનીય છે કે સેન્ટ્રલ ઝોનમાં મુખ્યત્વે શહેરની જૂની બજારો અને ગીચ વિસ્તારો આવેલા છે, જ્યાં રોજ હજારો લોકોની અવરજવર રહે છે.
તાજેતરમાં મળેલી જનરલ બોર્ડની મિટિંગમાં કોર્પોરેટરોએ ખરાબ રોડ રસ્તાનો પ્રશ્ન ઉગ્ર રીતે ઉઠાવ્યો હતો. ભારે ચર્ચા અને મેયરના આદેશ બાદ કમિશનરે તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા આદેશ આપ્યો હતો, જેના પગલે આ ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે.
આ ઉપરાંત છેલ્લા કેટલાક મહિનાઓમાં પીવાના પાણી માટેની ડી.આઇ.લાઇન અને ડ્રેનેજની પાઈપલાઈન માટે આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ બાદ રસ્તાઓનું યોગ્ય રિપેરિંગ ન થતાં લોકોને ધૂળ અને ટ્રાફિકની ભારે હાલાકી ભોગવવી પડતી હતી. હવે નવા રોડ બનતા લોકોને મોટી રાહત મળશે.
આ કામ માટે અનુભવી કોન્ટ્રાક્ટરો પાસેથી ટુ-બિડ સિસ્ટમથી ટેન્ડર મંગાવાયા છે. છેલ્લી તા.૧૮ નવેમ્બર છે. મ્યુનિ. સૂત્રોના જણાવ્યા મુજબ, હવે ટૂંક સમયમાં જ ઈસ્ટ, વેસ્ટ અને સાઉથ ઝોન માટે પણ ટેન્ડર પ્રસિધ્ધ થશે.
આટલા મુખ્ય માર્ગો ઉપર થશે પેવર રિ-કાર્પેટ
૧.ડો.યાજ્ઞિક રોડ
૨.ડો.દસ્તુર માર્ગ
૩.સરદારનગર મેઇન રોડ
૪.ટાગોર માર્ગ
૫.રેસકોર્સ રિંગ રોડ
૬.રૈયા રોડ
૭.એરપોર્ટ રોડ
૮.જામનગર રોડ
૯. રેલવે જંક્શન સ્ટેશન રોડ
૧૦. મોચી બજાર મેઈન રોડ
૧૧. પરા બજાર
૧૨. દાણાપીઠ
૧૩. ઢેબર રોડ
૧૪. ગોંડલ રોડ
૧૫. લાખાજીરાજ રોડ
૧૬. ધર્મેન્દ્ર રોડ
૧૭. ભૂપેન્દ્ર રોડ
૧૮. સોની બજાર
૧૯. પેલેસ રોડ
૨૦. કેનાલ રોડ
૨૧. ૮૦ ફૂટ રોડ
૨૨. જૂનો પારડી રોડ
૨૩. અટીકા ઢેબર રોડ સાઉથ
૨૪. કોઠારીયા રોડ
૨૫. હરિ ધવા માર્ગ
૨૬.મંગલા મેઈન રોડ
૨૭. વિદ્યા નગર મેઈન રોડ
૨૮. રામકૃષ્ણ નગર મેઈન રોડ
૨૯. સદર બજાર મેઈન રોડ
૩૦. શ્રોફ રોડ
૩૧. સર્કિટ હાઉસ રોડ
૩૨. આકાશવાણી માર્ગ
૩૩. કસ્તુરબા માર્ગ
૩૪. જવાહર રોડ
૩૫. માધાપર રોડ
૩૬. ભક્તિનગર સ્ટેશન પ્લોટ મેઈન રોડ
૩૭. ગોડાઉન રોડ
૩૮. કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ રોડ
વિગેરે સહિત કુલ ૪૮ મુખ્ય માર્ગ