BREAKING NEWS

એક્સ ઉપર લાઇક બટન દ્વારા નાણાં મોકલી શકાશે: મસ્કની નવી સુવિધા

  • October 26, 2026 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ ઇલોન મસ્કે તેમના સામાજિક માધ્યમ એક્સ ઉપર એક નવી નાણાકીય સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. હવે એક્સના વપરાશકારો તેમને ગમતી પોસ્ટ કરનાર વ્યક્તિને લાઇક બટન મારફતે સીધા નાણાં મોકલી શકશે. આ માટે મસ્કની ચુકવણી સેવા એક્સ મનીનો ઉપયોગ કરવામાં આવશે. નવી સુવિધા શરૂઆતમાં અમેરિકાના વપરાશકારો માટે ઉપલબ્ધ થશે. ભારતમાં તે ક્યારે શરૂ થશે તે અંગે કંપનીએ કોઈ જાહેરાત કરી નથી.મસ્કે એક્સ ઉપર પોસ્ટ કરીને જણાવ્યું કે વપરાશકારો લાઇક બટનને થોડો વધુ સમય દબાવી રાખશે તો સામેની વ્યક્તિને એક ડોલરની નાની ચુકવણી મોકલવાનો વિકલ્પ મળશે. આ સુવિધાનો મુખ્ય હેતુ સામાજિક માધ્યમ ઉપર ઉપયોગી કે પસંદગીની સામગ્રી બનાવનાર લોકોને સીધું આર્થિક સમર્થન આપવાનો છે. અત્યાર સુધી મોટાભાગનાં સામાજિક માધ્યમો ઉપર પોસ્ટ પસંદ પડે તો લાઇક, શેર કે ટિપ્પણી દ્વારા પ્રતિસાદ આપવામાં આવતો હતો. હવે તેમાં નાણાકીય પ્રોત્સાહનનો વિકલ્પ ઉમેરાશે. નવી વ્યવસ્થા હેઠળ વપરાશકારને કોઈ પોસ્ટ પસંદ પડે તો તે લાઇક બટન લાંબો સમય દબાવીને એક્સ મની મારફતે નાણાં મોકલી શકશે. આ માટે અલગ ચુકવણી મંચ ઉપર જવાની જરૂર નહીં પડે એવો કંપનીનો આશય છે. મસ્કે આ સુવિધા અંગે જાહેરાત કરી છે, પરંતુ ચુકવણીની મહત્તમ મર્યાદા, વ્યવહાર ઉપર લાગતા ચાર્જ, ઓળખ ચકાસણી અને અન્ય નિયમો અંગે તમામ વિગતો જાહેર થઈ નથી. વપરાશકાર એક ડોલરથી વધુ રકમ મોકલી શકશે કે નહીં તે પણ સ્પષ્ટ થયું નથી. ઇલોન મસ્ક એક્સને માત્ર સામાજિક માધ્યમ રાખવા માગતા નથી. તેઓ તેને એવી સર્વસમાવેશક એપ્લિકેશનમાં ફેરવવા માગે છે જ્યાં લોકો સંદેશાવ્યવહાર, માહિતી, મનોરંજન અને નાણાકીય વ્યવહાર સહિતની અનેક સેવાઓ એક જ જગ્યાએ મેળવી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application