નૈઋત્યનું ચોમાસુ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાંથી પાછું ખેચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બીજી બાજુ લો પ્રેશર અને વાવાઝોડા જેવી સિસ્ટમના કારણે વરસાદ ચાલુ છે. આગામી તારીખ 10 ના રોજ બંગાળની ખાડીમાં આવી જ એક પ્રભાવશાળી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય થશે અને તેના કારણે કર્ણાટક આંધ્રપ્રદેશ તામિલનાડુ કેરલા લક્ષદ્વીપ મધ્યપ્રદેશ સિક્કિમ પશ્ચિમ બંગાળ હિમાચલ પ્રદેશ ઓડીસા આસામ મેઘાલય કોંકણ ગોવા મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે.
સપ્ટેમ્બર માસમાં ચોમાસુ પૂરું થઈ જતું હોય છે પરંતુ આ વખતે ઓક્ટોબર માસમાં પણ વરસાદ પડી રહ્યો છે અને હજુ તે ચાલુ રહે તેવું લાગે છે. બીજી બાજુ ઓક્ટોબર માસના અંત ભાગમાં અથવા તો નવેમ્બર માર્ચના પ્રારંભમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા હોય છે અને તેના કારણે હિમવર્ષા થતી હોય છે અને શિયાળાની સીઝન નું આગમન થતું હોય છે. પરંતુ આ વર્ષે સપ્ટેમ્બર માસના અંતિમ સપ્તાહથી જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂ થઈ ગયા છે. આમ ચોમાસું વધુ લંબાઈ અને શિયાળો વહેલો આવી જાય તેવું વાતાવરણ શરૂ થઈ ગયું છે.
ગુજરાતના અનેક શહેરોમાં લઘુતમ તાપમાનમાં સામાન્યથી નોંધપાત્ર ઘટાડો થયો છે અને શિયાળાના આગમનની છડી પોકારતું હોય તેવું વાતાવરણ શરૂ થઈ ગયું છે.આજે સવારે દાહોદ અને ડાંગમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 100% થયું હતું અને ઝાકળ જોવા મળી હતી. અમરેલીમાં 93 રાજકોટ અને સુરતમાં 92 કંડલામાં 89 ભુજમાં 91 ભાવનગરમાં 87% ભેજ નોંધાયો છે. અમરેલી અને દાહોદમાં તો લઘુતમ તાપમાન એકાએક નીચે ઉતરી ગયું છે અને આ બંને શહેરોમાં અનુક્રમે 20.8 તથા 20.5 ડિગ્રી આજે લઘુતમ તાપમાન નોંધાયું છે.
હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ અલનીનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ પરિસ્થિતિ ઉભી થવા પામી છે. શિયાળો પણ ખેંચાઈ તેવું જણાય છે. હિમાચલ પ્રદેશમાં સીઝનની પ્રથમ હિમવર્ષા થઈ ગઈ છે અને કુલ્લુ કાંગડામા બરફની ચાદર ઓઢી હોય તેવું વાતાવરણ પર્વતો પર જોવા મળે છે.
હવાના ઉપલા સ્તરમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે અને તે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સાથે કનેક્ટ થતું હોવાના કારણે ચોમાસુ લંબાયું છે અને હિમવર્ષા પણ શરૂ થઈ ગઈ છે. આ બંને પ્રક્રિયા એક સાથે ભાગ્યે જ જોવા મળે છે. પરંતુ આ વખતે ઋતુ પરિવર્તન ના ભાગરૂપે તે જોવા મળી રહી છે. હરિયાણામાં આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર એમ બંને સિસ્ટમ એક સાથે જોવા મળી છે અને તેના કારણે પંજાબ હરિયાણા દિલ્હી સહિતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.