વિશ્વભરમાં પોતાની ટાઇલ્સ માટે જાણીતા મોરબીના સિરામિક ઉદ્યોગ પર આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી કટોકટીની મોટી અસર પડી છે. અત્યાર સુધી મોરબીના ઉદ્યોગકારો મોંઘા ગેસ અને વધતા જતા ઉત્પાદન ખર્ચનો બોજ પોતાની પર વેંઢી રહ્યા હતા, પરંતુ હવે પાણી માથા પરથી પસાર થઈ જતાં તેમણે એક મોટો અને કડક નિર્ણય લેવાની ફરજ પડી છે.
વૈશ્વિક સ્તરે ટાઈલ્સનું હબ ગણાતા મોરબીના સિરામિક એસોસિએશન અને ઉદ્યોગકારો દ્વારા વ્યાપારને બચાવવા માટે કેટલાક આકરા નિર્ણયો લેવામાં આવ્યા છે. આગામી ૧લી જૂનથી સિરામિક ટાઈલ્સની અલગ-અલગ કેટેગરીમાં ₹૫ થી લઈને ₹૫૦ સુધીનો ભાવ વધારો ઝીંકવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ વર્ષોથી ચાલી આવતી 'ઉધારી'ની પ્રથા પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકીને હવેથી ૧૦૦ ટકા એડવાન્સ પેમેન્ટથી જ માલ આપવાનું નક્કી કરાયું છે.
ભાવ વધારવા પાછળનું અસલી કારણ શું?
છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે ફેક્ટરીઓ ચલાવવી લોઢાના ચણા ચાવવા સમાન બની ગઈ છે. રશિયા-યુક્રેન કે મધ્ય-પૂર્વના દેશોના તણાવ વચ્ચે નેચરલ ગેસ અને કોલસા (ઈંધણ) ના ભાવો આસમાને પહોંચ્યા છે. છેલ્લા બે મહિનાથી સતત કાચા માલ અને ગેસના ભાવો વધવાને કારણે ટાઈલ્સ બનાવવાની પડતર કિંમત (Production Cost) ખૂબ વધી ગઈ હતી, જેના કારણે ઉદ્યોગકારોને મોટું નુકસાન થઈ રહ્યું હતું.
બજાર અને બાંધકામ ક્ષેત્ર પર શું અસર થશે?
મોરબીના આ નિર્ણયની સીધી અસર દેશભરના રિયલ એસ્ટેટ (બાંધકામ) ઉદ્યોગ પર પડશે. જે લોકો પોતાનું ઘર બનાવી રહ્યા છે કે નવું ઘર ખરીદવાના છે, તેમના માટે ટાઈલ્સ મોંઘી થતાં બજેટ થોડું વધી શકે છે.