BREAKING NEWS

મોરબી: મેરેજ એનીવર્સરીના મેસેજથી પરિણીત યુવાનને ફસાવી રૂ.૫૦ લાખની ખંડણી માગી

  • November 16, 2026 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મોરબીના આલાપ રોડ પર રહેતા 22 વર્ષીય પરિણીત યુવાનને ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા બાંધી બ્લેકમેલ કરી રૂ.12  લાખની માંગણી કરવામાં આવ્યાની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. આ મામલે પોલીસે યુવતી સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય એક આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



ફરિયાદી નરેશભાઈ ચુનીલાલભાઈ નકુમ (ઉ.વ.22)ને મેરેજ એનીવર્સરી નિમિત્તે ઇન્સ્ટાગ્રામ પર કાજલ પરમારના એકાઉન્ટ પરથી શુભેચ્છા સંદેશ મળ્યો હતો. ત્યારબાદ યુવતીએ વાતચીત શરૂ કરી તા. 4/11 ના રોજ નેશનલ હાઈવે પર આવેલી ફન હોટેલમાં મળવા બોલાવ્યા હતા જ્યાં યુવકના પરિવાર વિષે યુવતીએ માહિતી મેળવી હતી.માત્ર વાતચીત કરી બન્ને છુટા પડ્યા હતા તેમ યુવકે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. યુવાન હોટેલમાં મળ્યા બાદ બીજા દિવસે યુવતીના ભાઈ કિશન ઉર્ફે રાજુ મુછ્ડીયાનો ફોન આવ્યો હતો અને બહેન સાથે વાતચીત કરવા તથા હોટેલમાં મળવા બદલ સમાધાન કરવાની વાત કરી હતી.


ત્યારબાદ પંચાસર ચોકડી ખાતે બોલાવી રૂ.50 લાખની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદીના પિતા અને મામા હરજીવનભાઈ હડીયલની હાજરીમાં અંતે રૂ.12 લાખ આપવાનું નક્કી થયું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ત્યારબાદ આરોપીઓ દ્વારા વારંવાર રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી. તા.13/11 ના રોજ કાજલબેન અને તેના ભાઈ રાજુ ફરિયાદીના ઘરે જઈ પૈસાની માંગણી કરી હતી તેમજ રૂપિયા નહીં આપે તો મારામારી કરવાની અને યુવતીને ઘરે મૂકી જવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરાયો છે.


આ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે પાંચ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રાજુ ઉર્ફે કિશન મોમજીભાઈ મુછ્ડીયા, તેજસ ઉર્ફે તેજો રમેશભાઈ પઢારીયા, ભીમજી મહાદેવભાઈ પરમાર અને કાજલબેન ભરતભાઈ પરમારને ઝડપી લીધા છે. જ્યારે ભાવેશ મનસુખ કણઝારીયા (રહે. દલવાડી સર્કલ, મોરબી)ને ઝડપી લેવા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application