દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં વધારાની છૂટછાટ અને રાહત આપવામાં આવશે તેવી જાહેરાત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. બોર્ડની આ જાહેરાત મુજબ ધોરણ નવ થી 12 ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં વધારાની છૂટછાટ અને રાહત મળશે.
સક્ષમ સત્તાવાળાઓ દ્વારા મેળવાયેલું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રજૂ કર્યે લખવામાં અસમર્થ હોય તેવા વિદ્યાર્થીને રાઇટરની સુવિધા આપવામાં આવશે. સ્થાનિક પરીક્ષામાં શાળા કક્ષાએ અને બોર્ડની પરીક્ષામાં જિલ્લા શિક્ષણ અધિકારી આવી મંજૂરી આપી શકશે. જોકે પરીક્ષાર્થી એ રાઇટર તરીકે તેનાથી એક ધોરણ નીચેનો વિદ્યાર્થી પસંદ કરવાનો રહેશે. તમામ વિષયો માટે એક જ વિદ્યાર્થીને રાઇટર તરીકે રાખી શકાશે. જો રાઇટર બદલવાની જરૂર પડે તો તેવા કિસ્સામાં પણ મંજૂરી મેળવવાની રહેશે.
જે દિવ્યાંગ વિદ્યાર્થીને વાંચવામાં કે સમજવામાં સમસ્યા હોય તે ઈચ્છે તો પરીક્ષા દરમિયાન રીડર એટલે કે વાચકની સેવા લેવાની મંજૂરી આપવામાં આવશે. આવા રીડર માત્ર પ્રશ્નપત્ર વાંચવા માટે મદદરૂપ થશે અને રાઈટર તરીકેની ભૂમિકા ભજવી નહીં શકે.
સામાન્ય રીતે પરીક્ષામાં કોમ્પ્યુટર અને લેપટોપનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. પરંતુ બોર્ડની લેખિત પરીક્ષામાં સંપૂર્ણ અંધ કે અલ્પદ્રષ્ટિ ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીની કોમ્પ્યુટર લેપટોપની ખરેખર જરૂરિયાત અંગે સક્ષમ તબીબી અધિકારી દ્વારા મળેલ પ્રમાણપત્રના આધારે તેના ઉપયોગ માટેની છૂટ આપવામાં આવશે. પરંતુ તે માટે પરીક્ષાના 15 દિવસ અગાઉ સંબંધિત જિલ્લા અધિકારી સમક્ષ રજૂઆત કરવાની રહેશે. ડીઈઓએ આવા વિદ્યાર્થીને બ્રેઇલ લિપિ લોડ કરેલું સોફ્ટવેર યુક્ત કોમ્પ્યુટર અથવા તો લેપટોપ વાપરવાની પરવાનગી આપી શકશે. પરંતુ તેની વ્યવસ્થા જે તે વિદ્યાર્થી એ જ કરવાની રહેશે. આવા કોમ્પ્યુટર કે લેપટોપમાં ઓપરેટિંગ સિસ્ટમ તથા બ્રેઈલ લિપિના સોફ્ટવેર સિવાય અન્ય કોઈ સોફ્ટવેર કે ડેટા ન હોય તથા ઇન્ટરનેટ કનેક્ટિવિટી ન ધરાવતા હોય તે નક્કી કરવા માટે કોમપ્યુટર અને લેપટોપ પરીક્ષાના ત્રણ દિવસ અગાઉ કેન્દ્રમાં જમા કરાવવાનું રહેશે અને તે ટેકનિકલ નિષ્ણાતોની ટીમ દ્વારા ચકાસવામાં આવશે.
દિવ્યાંગ વિદ્યાર્થીને પરીક્ષામાં દરેક કલાકે 20 મિનિટનો વળતર સમય આપવામાં આવશે. એટલે કે એક કલાક દીઠ ૨૦ મિનીટ મુજબ જો બે કલાકનું પ્રશ્નપત્ર હોય તો 40 મિનિટ અને ત્રણ કલાકનું પ્રશ્નપત્ર હોય તો 60 મિનિટ વળતર સમય તરીકે આપવામાં આવશે.
પ્રાયોગિક કાર્યમાં પણ બોર્ડ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે અને તે મુજબ અલ્પદ્રષ્ટિ કે અંધત્વ ધરાવનાર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પ્રાયોગિક પાસુ ધરાવતા વિષયો જેવા કે રસાયણ વિજ્ઞાન પ્રાયોગિક, ભૌતિક વિજ્ઞાન પ્રાયોગિક અને જીવ વિજ્ઞાન પ્રાયોગિકમાં પ્રયોગ કાર્યને બદલે તેટલા જ માર્કનું એમસીક્યુ ટાઈપનું પ્રશ્નપત્ર આપવામાં આવશે.