BREAKING NEWS

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી: મતદાન પહેલા જ ભાજપનો દબદબો, 100થી વધુ ઉમેદવારો બિનહરીફ વિજેતા, કડી પાલિકામાં સત્તા મેળવી

  • April 12, 2026 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં આગામી 26મી એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેના જંગમાં મતદાન પહેલા જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે જ રાજ્યની વિવિધ બેઠકો પર 100 જેટલા ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે, જેમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ એકહથ્થુ શાસન જાળવી રાખ્યું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.


કુલ 10,005 બેઠકો માટે જંગ, ભાજપની લીડ

રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 10,005 બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. 11મી એપ્રિલે ફોર્મ ભરવાની મુદ્દત પૂરી થતા જ પ્રાથમિક અંદાજ મુજબ કુલ બેઠકોના અંદાજે 1 ટકો એટલે કે 100 બેઠકો પર કોઈ હરીફ ન હોવાથી ઉમેદવારો સીધા વિજેતા બન્યા છે.

બિનહરીફ વિજેતાઓમાં સિંહફાળો ભાજપનો છે. જ્યારે વિરોધ પક્ષો દ્વારા ઉમેદવારી ન નોંધાવાવી અથવા ટેકનિકલ કારણોસર ફોર્મ રદ થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે, 2021ની ચૂંટણીમાં 237 ઉમેદવારો બિનહરીફ થયા હતા, જે રેકોર્ડ આ વખતે તૂટે છે કે નહીં તેના પર સૌની મીટ છે.


કડીમાં ભાજપનો ભવ્ય વિજય: 36માંથી 23 બેઠકો કબ્જે

સૌથી ચોંકાવનારા અને મોટા સમાચાર મહેસાણાના કડીથી આવ્યા છે. કડી નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 23 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 1, 3 અને 6 ની તમામ 12 બેઠકો બિનહરીફ થતા મતદાન પહેલા જ ભાજપે કડી પાલિકામાં સત્તા મેળવી લીધી છે.


રાજ્યના અન્ય જિલ્લાઓની સ્થિતિ

બિનહરીફ વિજેતાઓની યાદીમાં અન્ય જીલ્લાઓ પણ પાછળ નથી

કચ્છ: ભુજ પાલિકાની 3, નખત્રાણા અને માંડવી તાલુકા પંચાયતની 2-2 બેઠકો ભાજપના ફાળે ગઈ છે.

દક્ષિણ ગુજરાત: નવસારીમાં 9, ગણદેવીમાં 6, વલસાડમાં 5 અને ઓલપાડમાં 2 બેઠકો બિનહરીફ થઈ છે.

સૌરાષ્ટ્ર: સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, પોરબંદર અને ગોંડલમાં પણ ભાજપના ઉમેદવારો વિજયી બન્યા છે.

કોંગ્રેસની સ્થિતિ: સાબરકાંઠાના હિંમતનગર પાલિકાના વોર્ડ-3માં કોંગ્રેસના એક ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે.


હજુ બિનહરીફની સંખ્યા વધી શકે છે

બુધવાર સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે. રાજકીય વિશ્લેષકો માને છે કે જો અન્ય પક્ષોના ઉમેદવારો પક્ષપલટો કરે અથવા ફોર્મ ખેંચે તો બિનહરીફ વિજેતાઓની સંખ્યામાં મોટો ઉછાળો આવી શકે છે.

ચૂંટણી કાર્યક્રમ પર એક નજર

ફોર્મ ચકાસણી: ચાલુ પ્રક્રિયા

ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ: આગામી બુધવાર

મતદાન: 26મી એપ્રિલ

સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં "સ્વ" એટલે કે પોતાનું રાજ સ્થાપવા માટે પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે ભાજપનો આ પ્રારંભિક વિજય વિપક્ષો માટે ચિંતાનો વિષય બન્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application