BREAKING NEWS

જામજોધપુર ખાતે આયોજિત ‘આયુષ મેળા’ માં ૨૫૦૦થી વધુ નાગરિકોએ આયુર્વેદિક અને હોમિયોપેથી ચિકિત્સાનો લાભ લીધો

  • February 04, 2026 09:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આયુષ મેળામાં નિઃશુલ્ક નિદાન સારવાર, પ્રકૃતિ અને નાડી પરીક્ષણ, સુવર્ણ પ્રાશન, પંચકર્મ અને અગ્નિકર્મ જેવી વિશિષ્ટ સેવાઓ પૂરી પડાઈ


​આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તેમજ નિયામક આયુષની કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગર દ્વારા ૩૧મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ જામજોધપુરના કડવા પાટીદાર જ્ઞાતિ સેવા સમાજ ખાતે ભવ્ય ‘આયુષ મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું.



પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ એવી આયુર્વેદ અને હોમિયોપેથીનો વ્યાપ વધે અને લોકો કુદરતી સારવાર દ્વારા પોતાની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવા હેતુથી આ પ્રજાલક્ષી મેળો યોજાયો હતો.


​આ મેળામાં નિઃશુલ્ક નિદાન સારવાર ઉપરાંત પ્રકૃતિ અને નાડી પરીક્ષણ, બાળકો માટે સુવર્ણ પ્રાશન, પંચકર્મ અને અગ્નિકર્મ જેવી વિશિષ્ટ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા બ્લડ પ્રેશર અને સુગરની તપાસ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, રસોડામાં વપરાતી ઘરગથ્થુ ઔષધિઓનું પ્રદર્શન, આયુર્વેદિક ચાર્ટ પ્રદર્શન અને પર્યાવરણના જતન માટે નિઃશુલ્ક ઔષધ રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.



મેળા દરમિયાન કુલ ૬૧૦ દર્દીઓએ સારવાર મેળવી હતી, જ્યારે ૨૫૦૦થી વધુ લોકોએ મુલાકાત લઈ આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું.


​કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગલાભાઈ ગરસર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ કણજારીયા, તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન રાઠોડ, નગરપાલિકા પ્રમુખ કંચનબેન ગોસ્વામી, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, ભાજપ શહેર પ્રમુખ રવિભાઈ શિહોરા, તાલુકા પ્રમુખ ભાગ્યેશભાઈ માણસુરીયા તથા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.​



સમગ્ર આયુષ મેળાને સફળ બનાવવા જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય હિરેન ઠક્કરના નેતૃત્વમાં વૈદ્ય ફોરમ પરમાર, ભાવેશ બેરા, અંકિતા સોલંકી, જિજ્ઞેશ સોનગરા સહિતના તબીબો અને ફાર્માસિસ્ટની ટીમે જહેમત ઉઠાવી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application