ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, સુપ્રસિદ્ધ હિંદુ યાત્રાધામ સોમનાથ મંદિર પર મહમૂદ ગઝનવીએ કરેલા બર્બર હુમલાના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તા. ૮ થી ૧૧ જાન્યુઆરી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ નું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ મુલાકાત પૂર્વે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે સોમનાથ પંહોચ્યા હતાં. જ્યાં તેઓએ પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદાના દિવ્ય ચરણોમાં નતમસ્તક થઈ પૂજા-અર્ચના કરી સર્વેના મંગલ, સુખ, સમૃદ્ધિ તથા કલ્યાણ માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.
રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સોમનાથ ખાતે તા 8 થી 10 વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તા 11ના મોદીજીના વડપણ હેઠળ શોર્ય યાત્રા બાદ જંગી જનસભા સંબોધશે. સોમનાથ ખાતે 2500થી વધુ ઋષિ કુમારો સતત 72 કલાક 'ૐ નમ શિવાય' જાપ કરશે. 1000 શંખના નાદ કરવામાં આવશે. 3000 ડ્રોનનો અદભુત શો યોજાશે. ચાર જિલ્લામાંથી ખાસ ટ્રેન મારફતે શ્રધ્ધાળુઓ સોમનાથ આવશે. શંખ સર્કલથી સોમનાથ મંદિર સુધી ભવ્ય શોર્ય યાત્રામાં 108 અશ્વો પણ સંમેલીત કરાશે. આખું વર્ષ સ્વાભિમાન પર્વ તરીકે ઉજવાશે.
કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા બેઠક યોજી
જગદીશ વિશ્વકર્માએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ સોમનાથ સ્વાભિમાન પર્વના આયોજનની ભવ્ય પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમજ વ્યવસ્થાઓનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી જરૂરી સુચન આપ્યા હતાં. આ પ્રસંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીઓ જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાઝા, રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા, પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરૂદ્ધ દવે, પ્રદેશ ઉપાધ્યક્ષ રમેશ ધડુક સહિત સ્થાનિક અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષે વિસ્તારના નવ જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનો સાથે કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી.
મંદિર તોડી પાડવામાં આવ્યું, અપાર લૂંટ ચલાવી
જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું છે કે, ઈ.સ. 1025માં મહમૂદ ગઝનીએ ભારતની સંસ્કૃતિ અને આત્મગૌરવ પર આઘાત કરતું કૃત્ય કરી સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું. મંદિર તોડી પાડવામાં આવ્યું, અપાર લૂંટ ચલાવી. આ હુમલો આસ્થા અને સભ્યતાના એક મહાન પ્રતીકને નષ્ટ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવેલો એક હિંસક અને બર્બર પ્રયાસ હતો. પછીની શતાબ્દીઓમાં પણ અનેક વખત સોમનાથ પર આક્રમણો થયા, મંદિર તૂટી પડ્યું, ઉજાડ બન્યું. પરંતુ દરેક વિનાશ પછી સોમનાથ ફરી ઉભુ થયું. આ પુનઃસ્થાપન માત્ર એક ધાર્મિક કાર્ય નહોતું, તે ભારતીય ચેતનાનો પ્રતિરોધ હતો. સોમનાથ સાબિત કરતું રહ્યું કે આક્રમણકારો મંદિર તોડી શકે, પરંતુ શ્રદ્ધા તોડી શકતા નથી.
સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાનું વર્ષ પણ છે
1947માં ભારત સ્વતંત્ર થયું, સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો ઐતિહાસિક સંકલ્પ લીધો. તેઓનું માનવું હતું કે સોમનાથનું પુનર્નિર્માણ એટલે ભારતના સ્વાભિમાનનું પુનર્જાગરણ. જનસહયોગથી મંદિર ફરી ઊભું થયું અને 1951માં રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે તેનું ઉદ્ઘાટન થયું. મંદિરનું વર્તમાન સ્વરૂપ 1951માં આકાર લઈ શક્યું. આ ક્ષણ ભારતના ઇતિહાસમાં ગૌરવપૂર્ણ બની. આજે સમુદ્રના તટ પર અડીખમ ઉભેલું સોમનાથ મંદિર દરેક ભારતીયને યાદ અપાવે છે કે ભારતની સંસ્કૃતિ અપરાજિત છે. સંયોગ છે કે, 2026નું આ જ વર્ષ સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાનું વર્ષ પણ છે. 11 મે 1951ના રોજ સોમનાથ મંદિરના પુન:ર્નિર્માણનું કાર્ય સંપન્ન થયું હતું.
સોમનાથ મંદિરની ૧૦૦૦ વર્ષની ગૌરવપૂર્ણ યાત્રાનું સ્મરણ કરાશે
જગદીશભાઈ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું છે કે, જો હજાર વર્ષ પહેલાં ખંડિત થયેલું સોમનાથ મંદિર સંપૂર્ણ વૈભવ સાથે ફરીથી ઊભું થઈ શકે છે, તો આપણે હજાર વર્ષ પહેલાંનું સમૃદ્ધ ભારત પણ બનાવી શકીએ છીએ. 'સોમનાથ સ્વાભિમાન પર્વ' અંતર્ગત દેશના શિવ મંદિરોમાં 72 કલાક સુધી અવિરત ઓમકાર મંત્ર અને શંખનાદ દ્વારા સમગ્ર વાતાવરણને શિવમય બનાવાશે અને સોમનાથ મંદિરની ૧૦૦૦ વર્ષની ગૌરવપૂર્ણ યાત્રાનું સ્મરણ કરાશે. સોમનાથ ખાતેના કાર્યક્રમ અંતર્ગત સોમનાથ મંદિરમાં ૧૦૦૦ શંખનો નાદ કરાશે, અને આ આખું વર્ષ સ્વાભિમાન પર્વ તરીકે ઉજવાશે.