રાજકોટમાં સીજીએસટીના પ્રિવેન્ટીવ વિંગ દ્વારા શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ટેલીફોન એક્સચેન્જ પાસે ઓફિસ ધરાવતા માસ્ટર માઈન્ડ જીલ ઠક્કર (અમલાણી)ની ઓફિસમાં 350 કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં ઝીલ ઠક્કર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં સીજીએસટીના અધિકારીઓ દ્વારા ત્રણ દિવસથી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે પ્રિવેન્ટીવ વિભાગની ટીમ દ્વારા સ્ટેટસ ઓફિસ માંથી જપ્ત કરી અને એનાલિસિસ કરતા 58થી વધારે બોગસ પેઢીઓ મળી આવી છે. જેમાંની મોટાભાગની પેઢીઓ તેના સ્થળ પર કાર્યરત જ નથી. શનિ રવિની રજા બાદ સોમવારથી આ કાર્યવાહીમાં નવા જ ધડાકા થવાની સંભાવના છે.
આ 58થી વધુ બોગસ પેઢીઓના નામે 92.71 કરોડની ખોટી આઇટીસી ક્લેઈમ કરવામાં આવી હતી. આ મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે સીજીએસટી વિભાગના અધિકારીઓ દિવસ રાત એક કરી અને તમામ બાબતોની ઝીણવટ પૂર્વકની ચકાસણી કરી રહ્યા છે. આ કોભાંડ નો આંકડો રૂ.1000 કરોડને આંબે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. એટલું જ નહીં સેન્ટ્રલ જીએસટી વિભાગ આ કેસમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરી અને કડક કાર્યવાહી કરી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે.
સીજીએસટી વિભાગના અધિકારી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે જીલ ઠક્કરની ઓફિસમાંથી 58થી વધારે બોગસ પેઢીઓ મળી આવી હતી. આ પેઢીઓના નામે બોગસ બીલો જનરેટ કરી અને ખોટી આઇટીસી કલમ કરવામાં આવી હતી. આ બાબતની શંકાના આધારે જ સીજીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ પેઢીઓ દ્વારા જીએસટી એન લેવા સમયે જે સરનામું દર્શાવવામાં આવ્યું હતું તે સરનામા પર સીજીએસટી વિભાગની ટીમ દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ એક પણ સ્થળ પર પેઢીનું કાર્યરત મળી આવેલી ન હતી.
જે પેઢીઓનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું તે બોગસ છે કે કેમ તે જીએસટી નંબર મેળવતી વખતે સરનામું દર્શાવવામાં આવ્યું હોય અને તેમાં ફેરફાર કરવામાં આવે તે સંબંધિત એસજીએસટી કે સીજીએસટીને જાણ કરવાની રહેતી હોય છે. પરંતુ અધિકારીઓની જાણ બહાર બોગસ પેઢીના નામે આઇટીસી મેળવવાનો કારસો રચવામાં આવ્યો હતો. અધિકારીઓના પ્રાથમિક તારણ પ્રમાણે બોગસ બિલિંગનો ગોરખધંધો કરવા માટે જ આ પેઢીઓ ઊભી કરવામાં આવી હોવાનું ફલિત થાય છે. હવે જીલ અમલાણીની ઓફિસમાંથી મળી આવેલા ડેટાના એનાલિસિસના આધારે સોમવારથી તપાસ વધુ સઘન બનાવવામાં આવશે. તપાસના અંતે નવાજ ધડાકા થાય તેવી સંભાવના સૂત્રો દર્શાવી રહ્યા છે.