રાજકોટના જામનગર રોડ પર આવેલા ખંઢેરી પાસે આવેલા નીરંજન શાહ ઇન્ટરનેશન સ્ટેડિયમમાં તા. ૧૪ જાન્યુઆરીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન-ડે મુકાબલો રમાનાર છે. આ મેચને લઇ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સ્ટેડિયમની અંદર બહાર મળી ૭૦૦ થી વધુ પોલીસ જવાનો અને ૪૦૦ થી વધુ હોમગાર્ડના જવાનો બંદોબસ્તમા તૈનાત રહેશે.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ મચેને લઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દર વખત મેચ દરમિયાન જામનગર રોડ પર કલાકો સુધી ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે આ વખત ટ્રાફિકજામ ન સર્જાય તે માટે પોલીસ દ્વારા મેચ જોવા આવનાર તમામને તાકીદ કરવામાં આવી છે કે, જો તેમના વાહન રોડ પર રાખશે તો પોલીસ દ્વારા આ વાહનો લોક અથવા ડિટેઇન કરી દેવામાં આવશે.
રાજકોટમાં મકરસંક્રાતિના દિવસે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાનાર છ. ભારતના સ્ટાર બેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીની રાજકોટમાં સંભિવત આ અંતિમ મેચ હોય ઉપરાંત મેચના દિવસે ઉત્તારયણની જાહેર રજા હોય ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ બેવડાયો છે જેને લઇ સ્ટેડિયમ પેક રહેવાની પૂરેપુરી શકયતા છે. મેચ જોવા માટે હજારોની સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ આવનાર છે. ત્યારે મેચ દરમિયાન કોઇ અનઇચ્છનિય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે.
ભારત- ન્યુઝીલેન્ડ ડે એન્ડ નાઇટ મેચમાં બંદોબસ્તને લઇ વિગતો આપતા રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું. મેચને લઇ સુરક્ષાની તમામ બાબતો અંગેની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે. મેચમાં ડીવાયએસપી,પીઆઇ અને પીએસઆઇની નીગરાની હેઠળ ૭૦૦ થી વધુ પોલીસ જવાનો સુરક્ષા માટે તહેનાત રહેશે. આ ઉપરાંત ૪૦૦ થી વધુ હોમગાર્ડ જવાનો પણ મેચની સુરક્ષા માટે બંદોબસ્તમાં રહેશે.
એસપીએ વધુમાં જણાવ્યું હતું કે, દર વખત મેચ દરમિયાન ટ્રાફિકજામની ભારે સમસ્યા સર્જાતી હોય જે ખાસ કરીને મેચ શરૂ થતા પૂર્વે અને મેચ પુરો થયા બાદ કલાકો સુધી વાહનચાલકોની કતારો જોવા મળે છે ત્યારે ટ્રાફિકજામની આ સમસ્યાના ઉકેલ માટે આ વખત પોલીસ દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે. મેચ જોવા આવનાર દરેક વાહનચાલકોએ ખાસ કરીને ફોર વ્હીલના ચાલકોએ પોતાના વાહન નક્કી કરેલા પાર્કિંગમાં જ રાખવા જો કોઇ પણ વાહન રોડ પર રાખશે તો પોલીસ દ્વારા તેમના વાહન લોક કરી દેવામાં આવશે અથવા ડિટેઇન કરવામાં આવશે. હોટલ સંચાલકોને પણ તાકીદ કરવામાં આવી છે જો મેચ દરમિયાન તેમના હોટલના પાર્કિગ એરિયા સિવાય રોડ પર વાહન પાર્ક કરવામાં આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મેચ દરમિયાન સ્ટેડિયમની અંદર અને બહાર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત રહેશે. કોઇ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાશે તો પોલીસ દ્વારા તરત જ એકશન લેવામાં આવશે. ખેલાડીઓ માટે વિશેષ સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. મેચ દરમિયાન ડ્રોનનો ઉપયોગ થઇ શકશે નહીં. આ ઉપરાંત મેચ જોવા આવનાર પ્રેક્ષકોનું એન્ટ્રી ગેઇટ પર સઘન ચેકીંગ કરવામાં આવશે જેથી કરીને જે વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તેવી કોઇ વસ્તુ મેદાન પર લઇને જવું નહીં અન્યથા કાર્યવાહી કરવામાં આવશે.
ડોરફ્રેમ મેટલ ડિટેક્ટર દ્વારા ચેકિંગ
રાજકોટમાં તા.૧૪ જાન્યઆરીના ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર વન-ડે મેચને લઇ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. જેમાં એલસીબી, એસઓજી, ઘોડેશ્વાર પોલીસ પણ બંદોબસ્તમાં તહેનાત રહેશે. બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડની ટીમ, સીસીટીવી સર્વેલન્સની ટીમની પણ મદદ લેવાશે. જ્યારે સ્ટેડિયમમાં પ્રવેશવાના તમામ ગેઈટ પર મેટલ ડિટેક્ટર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ડોરફ્રેમ મેટલ ડિટેક્ટરનો ઉપયોગ કરવામાં આવશે.
૪૦૦૦ થી વધુ કાર પાર્ક થઇ શકે તેવી પાર્કિંગ વ્યવસ્થા
ભારત- ન્યુઝીલેન્ડના વન-ડે મેચ નીહાળવા માટે હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ આવનાર છે ત્યારે ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ખાસ પાર્કીંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્ટેડિયમ નજીક આવેલા સરકારી ખરાબામાં ૪૦૦૦ થી વધુ કાર પાર્ક થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પાકિંગ વ્યવસ્થાનું સંચાલન ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવશે અને જે આવક થશે તે ગામના વિકાસમાં ઉપયોગમાં લેવામાં આવશે.
ટુ-વ્હીલર ચાલકોને સેફટી ગાર્ડ લગાવવા અપીલ
મેચના દિવસે જ મકરસંક્રાતિ પર્વ હોય આ દરમિયાન કોઇ કમનસીબ ઘટના ન બને તે માટે મેચ જોવા માટે ટુ-વ્હીલર પર આવનારાઓને પોતાના વાહનમાં ખાસ સેફટી ગાર્ડ લગાવવા માટે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજસસિંહ ગુર્જર દ્વારા અપીલ કરવામાં આવી છે.