જામનગર : હર્ષીદા ગરબા મંડળ દ્વારા યોજાયેલ મહાપ્રસાદનો ૨૮ હજારથી વધુ બાળાઓએ લીધો લાભ
જામનગર : હર્ષીદા ગરબા મંડળ દ્વારા યોજાયેલ મહાપ્રસાદનો ૨૮ હજારથી વધુ બાળાઓએ લીધો લાભ
October 06, 2025 12:44 PM
છોટીકાશી જામનગરમાં છેલ્લા ૫૦ વર્ષથી હર્ષીદા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ અને હર્ષીદા ગરબા મંડળ દ્વારા દર વર્ષે જામનગર શહેર તેમજ આસપાસના ગામોની ગરબે રમતી બાળાઓને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ગઇકાલે ૨૮ હજારથી વધુ માતાજીના ગરબા ગાતી બાળાઓ તથા બટુકોનું ભોજન શ્રીમાળી સોની જ્ઞાતિની વાડી દ્વારકાપુરી રોડ ખાતે યોજાયું હતું, ગઇકાલે સવારે ૬ વાગ્યે કટારીયાવારા વાછરાડાડાની ૫૨ ગજની ધજા ફરકાવી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.
જેમાં સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતાં, જેમાં આશાપુરા માતાજી મંદિર-કચ્છના ગાદીપતિ મહંત રાજબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે માતાજીનો મંગલ દિપ પ્રગટાવવામાં આવ્યો હતો, સાથોસાથ પંચદશનામ જુના અખાડા ભવનાથ તળેટી જુનાગઢના મહંત બુધગીરીબાપુના હસ્તે બાળાઓને મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો.
જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરીનું ટ્રસ્ટના પ્રમુખ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઇ જોશી, નટવરસિંહ પઢીયાર, ભરતભાઇ ચૌહાણ, સંદીપભાઇ મકવાણા, મુકેશભાઇ ચૌહાણ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રમેશભાઇ છુછીયા દ્વારા કરવામાં આવ્યું હતું.