BREAKING NEWS

વીંછિયાના ઓરી ગામમાં બે જૂથ વચ્ચે ધાણીફૂટ ફાયરિંગ, પવનચક્કીના ધંધાને લઈ માથાકૂટ, અફડાતફડી મચી ગઈ

  • January 08, 2026 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ઓરી ગામે પવનચક્કીના ધંધાને લઈને બે પક્ષો વચ્ચે ચાલી રહેલી માથાકૂટ ઉગ્ર બનતાં ગંભીર ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સામસામા પક્ષે ચારથી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે, જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.


સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી

પ્રાપ્ત માહિતી મુજબ, પવનચક્કીના ધંધા અંગે લાંબા સમયથી બે પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદે આજે હિંસક રૂપ ધારણ કરતાં કુલદીપ ખાચર અને પ્રતાપ ખાચર તેમજ લઘુ ધાધલ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગની ઘટનાને કારણે આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાની થવાની નોંધ નથી.​​​​​​​


વિંછીયા પોલીસ સ્ટેશન બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ

આ ઘટનાને લઈને વિંછીયા પોલીસ સ્ટેશન ખાતે બે અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવી છે. બંને પક્ષના કુલ 9 વ્યક્તિઓના નામ જોગ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યા છે. પોલીસે આર્મ્સ એક્ટ, હત્યાના પ્રયાસ, રાયોટીંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.


રાજકોટ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી 

ઘટનાની ગંભીરતા ધ્યાને લઈ રાજકોટ ગ્રામ્ય પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને અત્યાર સુધીમાં 5 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી હથિયાર કબજે કરવાની કામગીરી પણ હાથ ધરી છે તેમજ અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ ચાલુ છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગામમાં હાલ શાંતિ જળવાઈ રહે તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે, બંને પક્ષોને કાયદાનો ભંગ ન કરવા માટે ચેતવણી આપવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News