રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતના વાહકજન્ય રોગોના અસરકારક નિયંત્રણ માટે મચ્છર તથા મચ્છરના પોરાના નિયંત્રણની કામગીરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિ સ્થાનોના સર્વે/મેપિંગ તથા લાર્વીસાઇડ દવા છંટકાવની કામગીરીનો શુભારંભ આજે રામનાથ મહાદેવ મંદિર ખાતેથી કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કાર્યક્રમનો શુભારંભ મેયર ડૉ.નેહલ શુક્લના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ.હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, આરોગ્ય સમિતિ ચેરમેન ડૉ.રીંકલભાઈ મેઘાણી,આરોગ્ય સમિતિના સભ્ય ડો.શૈલેષભાઇ વસાણી, આરોગ્ય સમિતિના સભ્ય અરૂણાબેન જયેશભાઇ આડેસરા, વોર્ડ નં.૭ના કોર્પોરેટર ખ્યાતીબેન ગોહેલ અને કોર્પોરેટર વર્ષાબેન પાંઘી તથા નાયબ કમિશનર ચેતનભાઇ નંદાણી, આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વકાણી,બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડ્રોન ટેકનોલોજી દ્વારા શહેરમાં સંભવિત મચ્છર ઉત્પત્તિ કેન્દ્રોની ઓળખ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્લેટફોર્મ દ્વારા મેપિંગ કરવામાં આવશે. ઓળખાયેલ સંભવિત બ્રિડિંગ સોર્સને જીઓટેગિંગ સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પર અપલોડ કરવામાં આવશે, જેના આધારે સંબંધિત વિસ્તારના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તથા આરોગ્ય અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર ચકાસણી કરી જરૂરી સોર્સ રિડક્શનની કામગીરી કરવામાં આવશે.
આ ઉપરાંત, જ્યાં જરૂરી જણાશે ત્યાં ડ્રોનની મદદથી લાર્વીસાઇડ દવાનો છંટકાવ કરવામાં આવશે. ખાસ કરીને ઊંચી ઇમારતોની અગાશીઓ, મોટા જળાશયો, બાંધકામ સાઇટો, ખુલ્લા પ્લોટો, ખુલ્લી ડ્રેનેજ તથા માનવબળ દ્વારા પહોંચવું મુશ્કેલ હોય તેવા વિસ્તારોમાં આ ટેકનોલોજી ઉપયોગી સાબિત થશે.
કાર્યક્રમ દરમિયાન ડ્રોન દ્વારા લાર્વીસાઇડ દવાના છંટકાવનું પ્રત્યક્ષ જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત પદાધિકારીઓ તથા અધિકારીઓને ડ્રોનની કામગીરી, મચ્છર ઉત્પત્તિ સ્થાનોની ઓળખ તથા દવા છંટકાવની પદ્ધતિ અંગે માહિતી આપવામાં આવી હતી.
આ કામગીરી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના અંદાજે ૧૬૨ ચોરસ કિલોમીટર વિસ્તારનું એ. આઇ.આધારિત મેપિંગ કરી સંભવિત મચ્છર ઉત્પત્તિ કેન્દ્રોની ઓળખ કરવામાં આવશે તથા ત્યારબાદ અંદાજે ૫૦૦ કલાક સુધી ડ્રોન દ્વારા લાર્વીસાઇડ દવાનો છંટકાવ કરવામાં આવનાર છે.
આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ મચ્છર ઉત્પત્તિ કેન્દ્રોની વહેલી ઓળખ, સમયસર સોર્સ રિડક્શન તથા જરૂરિયાત મુજબ લાર્વીસાઇડ ટ્રીટમેન્ટ દ્વારા મચ્છરજન્ય રોગોના ફેલાવા પર અસરકારક નિયંત્રણ મેળવવાનો છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પરંપરાગત મચ્છર નિયંત્રણ પદ્ધતિઓ સાથે આધુનિક ડ્રોન તથા એઆઇ ટેકનોલોજીનો સમન્વય કરી સ્વસ્થ અને રોગમુક્ત રાજકોટ બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.