BREAKING NEWS

જંગલેશ્વરમાં 1,489માંથી મોટાભાગના મકાનો આખા તોડી પડાશે; કમિશનર તુષાર સુમેરા પોતે કંટ્રોલરૂમથી રાખશે નજર

  • February 21, 2026 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડિમોલિશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ મામલે રાજકોટ મનપા કમિશનર તુષાર સુમેરાએ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, નદીકાંઠાના વિસ્તારમાં અને મનપાના ટીપી (ટાઉન પ્લાનિંગ) રોડ પર નડતરરૂપ એવી કુલ 1,489 મિલકતો પર ડિમોલિશનની પ્રક્રિયા આજથી શરૂ કરી દેવામાં આવી છે.


સ્વૈચ્છિક ખાલી કરવા તંત્રની અપીલ

કમિશનર સુમેરાએ માહિતી આપી હતી કે, ડિમોલિશન પૂર્વે મનપાના અધિકારીઓ, કર્મચારીઓ અને પોલીસનો કાફલો વિસ્તારમાં પહોંચ્યો છે. તંત્ર દ્વારા હાલમાં લોકોને સમજાવીને મકાનો સ્વૈચ્છિક રીતે ખાલી કરવા માટે જાણ કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે, "ઘણા લોકો સમજદારી દાખવીને સહકાર આપી રહ્યા છે અને પ્રેમથી મકાનો ખાલી કરી રહ્યા છે. જે લોકો સામાન ખસેડવા માંગતા હોય તેમને મદદ કરવા માટે મનપા દ્વારા સાધનો અને વાહનોની સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે."


1,489 મકાનોમાંથી મોટાભાગના સંપૂર્ણ તોડી પાડવામાં આવશે

આ કામગીરીની ગંભીરતા જણાવતા કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે, ઓળખવામાં આવેલી 1,489 મિલકતો પૈકી મોટા ભાગના મકાનો એવા છે જે આખા તોડી પાડવા પડે તેમ છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે નિયમ મુજબ કરવામાં આવશે. રોડ અને નદીકાંઠાની જમીન ખુલ્લી કરાવવી એ શહેરના આયોજન માટે અનિવાર્ય છે, તેથી કોઈ પણ પ્રકારની બાંધછોડ વગર આ ઝુંબેશ આગળ વધારવામાં આવશે.


કમિશનર જાતે કરશે મોનિટરિંગ

ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કામગીરી પારદર્શક રીતે થાય તે માટે આવતીકાલથી ખાસ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે. કમિશનર તુષાર સુમેરા પોતે આ કંટ્રોલરૂમમાં હાજર રહીને સમગ્ર ઓપરેશનનું સીધું નિરીક્ષણ કરશે.


હાલમાં જંગલેશ્વર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત છે અને તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application