જસદણ તાલુકાના મોટાદડવા ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. મોટાદડવા ગામની સીમમાં આવેલ એક કૂવામાં માતાએ પોતાની માસૂમ પુત્રી સાથે ઝંપલાવીને સામૂહિક આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ કરુણ ઘટનાને પગલે નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે.
ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડ્યો
આ ચકચારી ઘટનાની જાણ થતાં જ આટકોટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને જસદણ એએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. કૂવો ઊંડો હોવાના કારણે સ્થાનિક તંત્ર દ્વારા ગોંડલ ફાયર બ્રિગેડની ટીમને પણ તાકીદે મદદ માટે બોલાવવામાં આવી હતી. પોલીસ અને ગોંડલ ફાયર બ્રિગેડની ટીમે સંયુક્ત રીતે ભારે જહેમત ઉઠાવીને કૂવામાંથી માતા અને પુત્રી બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ બંને મૃતદેહોને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આપઘાત પાછળનું કારણ હજુ સુધી અકબંધ
એક માતાએ પોતાની લાડકવાઈ પુત્રી સાથે આ પ્રકારનું અત્યંત અંતિમ પગલું શા માટે ભર્યું તે કારણ હજી સુધી જાણી શકાયું નથી. કૌટુંબિક કંકાસ, આર્થિક સંકડામણ કે અન્ય કોઈ માનસિક તણાવ આ આપઘાત પાછળ જવાબદાર છે કે કેમ, તે દિશામાં આટકોટ પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે આસપાસના લોકો અને પરિવારજનોની પ્રાથમિક પૂછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસ અને પીએમ રિપોર્ટ બાદ જ આ સામૂહિક આપઘાત પાછળનું સાચું કારણ બહાર આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે.