BREAKING NEWS

રાજકોટમાં મધરાતે ફ્લેટમાં ભીષણ આગ, માતા-પુત્રનાં ગુંગળામણથી મોત, ઘરવખરી સળગીને ખાક

  • February 26, 2026 09:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના પેલેસ રોડ પર આવેલ એક એપાર્ટમેન્ટમાં ગત મધરાત્રે આગની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં આખું ઘર બળીને ખાખ થઈ ગયું હતું, જ્યારે રૂમમાં સૂતેલા વૃદ્ધ માતા અને પુત્રનું ગૂંગળામણના કારણે મોત નીપજ્યું છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


મધરાત્રે સર્જાયો કાળમુખો અકસ્માત

રાજકોટના પેલેસ રોડ પર વર્ધમાન નગર શેરી નંબર 8માં આવેલ 'મન મંદિર એપાર્ટમેન્ટ'માં રાત્રિના આશરે 12 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. એપાર્ટમેન્ટના ચોથા માળે બ્લોક નંબર સી-402માં રહેતા પુજારા પરિવારના ફ્લેટમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં ફ્લેટના હોલ અને કિચનમાં રહેલી તમામ ઘરવખરી અને સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.


ગૂંગળામણ બન્યું મોતનું કારણ

રાજકોટ શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ બી.વી. બોરીસાગરના જણાવ્યા અનુસાર, જ્યારે આગ લાગી ત્યારે ફ્લેટના અંદરના રૂમમાં 92 વર્ષીય વૃદ્ધ માતા પ્રભાબેન ભગવાનજીભાઈ પુજારા અને તેમના 62 વર્ષીય પુત્ર નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ પુજારા સૂતેલા હતા.


આગના કારણે આખા ઘરમાં ધુમાડાના ગોટેગોટા ભરાઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બંને મૃતકોને શરીર પર કોઈ દાઝ્યાના નિશાન (બર્ન ઇન્જરી) નહોતા, પરંતુ ધુમાડાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતા તેઓ બેભાન થઈ ગયા હતા. ગૂંગળામણના કારણે બંનેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.


તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે આગ અન્ય ફ્લેટમાં પ્રસરાતા અટકી હતી.


પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક રીતે આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે. જોકે, આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે પોલીસ દ્વારા FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ની મદદ લેવામાં આવી છે. FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ આગ લાગવાનું સાચું કારણ સ્પષ્ટ થશે.


પૌત્રનો આબાદ બચાવ

આ કરૂણ દુર્ઘટનામાં એક આશાસ્પદ પાસું એ રહ્યું કે, મૃતકનો પૌત્ર સમીર, જે થોડા દિવસ પહેલા જ રાજકોટ આવ્યો હતો, તે ઘટના સમયે ઘરે હાજર નહોતો. સમીર બહાર હોવાને કારણે તેનો આબાદ બચાવ થયો છે. 'એ' ડિવિઝન પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને સમીરનું નિવેદન નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application