BREAKING NEWS

ખોબા જેવડું ગામ હચમચી ગયું... સિમેન્ટનો ચૂલો મારી માથું ફાડી નાખ્યું, ચા બનાવવાની માથાકૂટમાં માતા-પુત્રે સાવકા પિતાની હત્યા કરી

  • February 08, 2026 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલી જિલ્લાના બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે, જેમાં ઘરઆંગણે થયેલી સામાન્ય બોલાચાલી ભયાનક હત્યામાં પરિણમી છે. મોટા મુંજીયાસર ગામે રહેતા એક ગરીબ પરિવારની અંદરની કલહે આખા ગામને હચમચાવી નાખ્યું છે.


ચા બનાવવા જેવી બાબતે માથાકૂટ થઈ

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક રમણભાઈ વાલકાભાઈ કટારા (ઉંમર 46) ખેતી મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ઘટનાના દિવસે ઘરમાં ચા બનાવવા જેવી નાની બાબતને લઈને રમણભાઈ અને તેમની પત્ની સીતાબેન વચ્ચે બોલાચાલી થઈ હતી. રમણભાઈ પત્નીને ચા બનાવવા દેતા ન હોવાથી બંને વચ્ચે ઉગ્ર વાદવિવાદ થયો હતો. આ બોલાચાલીથી ગુસ્સે ભરાયેલી સીતાબેન વાડીએ કામ કરી રહેલા પોતાના પુત્ર સુરેશ મછાર પાસે ગઈ હતી અને રમણભાઈને માર મારવા માટે ઉશ્કેર્યો હતો. માતાના ઉશ્કેરણાથી ગુસ્સે ભરાયેલા સુરેશે ઘરે આવી “આજે તો તને મારી નાખીશ” તેવી ધમકી સાથે પોતાના સાવકા પિતા રમણભાઈ પર લાકડાના ફટકાથી હુમલો શરૂ કર્યો હતો.


સુરેશે સિમેન્ટનો ચૂલો રમણિકભાઈના માથા પર માર્યો

હુમલા દરમિયાન રમણભાઈની પુત્રી અસ્મિતાબેન પોતાના પિતાને બચાવવા વચ્ચે પડી હતી, પરંતુ આરોપી સુરેશે તેના પર પણ લાકડાનો ઘા મારી ઇજા પહોંચાડી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઝઘડો વધુ ઉગ્ર બનતા સુરેશે સિમેન્ટનો ચૂલો ઊંચકીને રમણભાઈના માથા પર જોરદાર પ્રહાર કર્યો હતો. ગંભીર માથાની ઇજાઓને કારણે રમણભાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું.


માતા-પુત્રને પણ ઈજા પહોંચી

ઘટનાની જાણ થતાં જ બગસરા પોલીસ તથા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બગસરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ઝઘડામાં ઇજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. મૃતકની પુત્રી અસ્મિતાબેનની ફરિયાદના આધારે બગસરા પોલીસે મુખ્ય આરોપી સુરેશ મછાર અને તેની માતા સીતાબેન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 હેઠળ હત્યા તથા મદદગારીની કલમો મુજબ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનામાં વપરાયેલા લાકડા અને સિમેન્ટના ચૂલાને જપ્ત કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application