BREAKING NEWS

જનેતાએ જ બે માસુમ દીકરીઓને ટૂંપો દઈ હત્યા કરી, પોતે પણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, રાજકોટની કાળજું કંપવાતી ઘટના

  • November 14, 2025 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મા માટે દીકરો હોય કે દીકરી સંતાન એક સમાન હોય છે. પરંતુ કળિયુગી કેટલીક જનેતાઓ કોખે જન્મેલા સંતાનને કઠણ કાળજે ખુલ્લા પ્લોટમાં કે રોડ ઉપર મૂકી દેતા ખચકાતી નથી. એનાથી પણ આગળ કરુણાંતિકાની વાત કરીએ તો ગત સાંજે રાજકોટના નવાગામમાં જનેતાને પુત્ર ન હોવાના વિરહમાં બે માસુમ દીકરીઓ જાણે માથે બોજ લાગતી હોય તેમ પાંચ અને આઠ વર્ષની દીકરીઓને ફાંસો દઈ પોતે પણ આત્મહત્યા કરી લીધાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. ઘટનાના પગલે સમગ્ર શહેરમાં અરેરાટી મચી જવા પામી છે.


કાળજું કંપાવતી ઘટના એવી છે કે, રાજકોટના નવાગામમાં શક્તિ સોસાયટીમાં શેરી નંબર-6માં રહેતા અસ્મિતાબેન જયેશભાઈ સોલંકી (ઉ.વ.28) અને તેની બન્ને દીકરીઓ પ્રિયાંશી (ઉ.વ.8) અને હર્ષિતા (ઉ.વ.5) ત્રણેય રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પતિ જયેશભાઇ સાંજે ઘરે આવ્યા ત્યારે રૂમમાં જઈને જોતા બંને દીકરીઓ પ્લાસ્ટિકની દોરીથી બાંધેલી હાલતમાં અને પત્ની છતના હૂંકમાં દુપટ્ટો બાંધેલી હાલતમા લટકતી જોવા મળતા બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ત્રણેયને નીચે ઉતારી 108ને જાણ કરતા 108ના ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.


ઘટનાની જાણ બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પીઆઈ રાણે સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી સામુહિક આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિવારમા કોઈ ક્લેશ નહતો પરંતુ અસ્મિતાબેનને બે દીકરીઓ હોય અને દીકરો ન હોવાથી કેટલાક સમયથી વિરહ સતાવતો હતો. ગઈકાલે પતિ અને સસરા બહાર કામે ગયા હતા ત્યારે દીકરીઓ ઘર પાસે રમતી હતી ત્યારે અંદર ઘરમાં બોલાવી બંને દીકરીઓને ટૂંપો આપી કપડાં સૂકવવાની દોરીથી લટકાવી દીધી હતી અને બાદમાં પોતે ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાં પગલે સોલંકી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application