નવસારીના બિલીમોરામાં ફિલ્મ વશ જેવી ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે. માતાને સપનામાં આદેશ થતા મધરાતે બે બાળકોનું ગળું બાવી હત્યા કરી દીધી હતી. બાદમાં સસરાને પણ મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સસરા ઘરમાંથી ભાગી જતા તેમનો જીવ બચી ગયો હતો. જોકે મહિલાએ બાદમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી મુજબ, નવસારીના બીલીમોરામાં ફિલ્મ 'વશ' જેવી ઘટના સામે આવી છે. એક મહિલાને સપનામાં આદેશ થતાં મધરાતે તેના બે બાળકોની ગળુ દબાવીને હત્યા કરી દીધી છે. જે બાદ તેના સસરાને પણ મારવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, સસરા ઘરમાંથી ભાગી જતાં તેમનો જીવ બચી ગયો હતો.
ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર બીલીમોરા તાલુકાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતી રાત્રે એક મહિલાને સપનુ આવ્યું કે 'તારા બાળકોને મારી નાખ' જેથી મહિલાએ જાગીને બાજુમાં સુતેલા તેના બે બાળકોનું ગળુ દબાવી દીધુ હતું. જે બાદ તેના સસરાને મારવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, સસરા ભાગી છુટ્યા હતા અને બુમાબુમ કરતાં આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા.
ઘરની આગળ ટોળુ એકઠું થતાં મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડ્યો તો મહિલા પોતે પણ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહી હતી. પોલીસે મહિલાને ગળાફાંસો ખાતા અટકાવીને ઝડપી લીધી હતી અને બંને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યાવહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મહિલાના પતિને ટાઈફોઈડ હોવાથી તે બીલીમોરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.