રાજકોટ મહાપાલિકાના વોર્ડ નં.૭ના ભાજપના કોર્પોરેટર ડો.નેહલભાઇ શુક્લ સતત ત્રણ જનરલ બોર્ડ મિટિંગમાં ગેરહાજર રહેતા હવે તેઓ આગામી જનરલ બોર્ડ મિટિંગમાં હાજર રહી શકે કે કેમ તે અંગે મ્યુનિસિપલ સેક્રેટરીએ મ્યુનિસિપલ કમિશનરનો અભિપ્રાય અને માર્ગદર્શન માંગતો પત્ર પાઠવતા મહાપાલિકાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ઉપરોક્ત પત્રમાં સ્પષ્ટ શાબ્દિક ઉલ્લેખ કર્યા વિના બિટવિન ધ લાઇન્સમાં એવા મતલબનું પુછાણ કરાયું છે કે, કોર્પોરેટર નેહલભાઇ શુક્લ છેલ્લી ત્રણ જનરલ બોર્ડ મિટિંગમાં હાજર રહ્યા ન હોય તેઓ હવે ગેરલાયક ઠરે કે કેમ? તેઓ તા.૨૦ સપ્ટેમ્બરે મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં ગેરહાજર રહ્યા હતા ત્યારબાદ તા.૨૦ નવેમ્બરે મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં રજા રિપોર્ટ મૂકીને અન ઉપસ્થિત રહ્યા હતા તેમજ તા.૨૦ જાન્યુઆરીએ મળેલી જનરલ બોર્ડ મિટિંગમાં પણ રજા રિપોર્ટ મૂકી અનઉપસ્થિત રહ્યા હતા. આ મુજબ સળંગ ત્રણ મિટિંગમાં તેઓ હાજર રહ્યા ન હતા.
સૂત્રોએ ઉમેર્યું હતું કે સેક્રેટરીએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવી જીપીએમસી એક્ટની કલમ ૧૧ હેઠળ અભિપ્રાય માંગ્યો કે સતત ત્રણ જનરલ બોર્ડ મિટિંગમાં ગેરહાજરી પછી હવે કોર્પોરેટર નેહલભાઇ શુક્લ આગામી જનરલ બોર્ડ મિટિંગમાં હાજર રહી શકે કે નહીં ? સામાન્ય રીતે આવા મામલાઓમાં મ્યુનિસિપલ કમિશનર પણ લીગલ બ્રાન્ચ કે શહેરી વિકાસ વિભાગનું માર્ગદર્શન લેતા હોય છે ત્યારે આવી સ્થિતિમાં હવે આગામી દિવસોમાં શું થશે ? તેના ઉપર સૌની મીટ મંડાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ૨૦૧૫- ૨૦૨૧ની ટર્મ દરમિયાન વોર્ડ નં.૧૮ના કોંગ્રેસના કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજા આવા જ મુદ્દે ગેરલાયક ઠર્યા હતા ત્યારે હવે ઉપરોક્ત મામલે શું થશે? તે જોવાનું રહેશે.
શું કહે છે નેહલ શુક્લ ?
ભાજપના કોર્પોરેટર નેહલભાઇ શુક્લએ આજકાલ દૈનિક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માત્ર જનરલ બોર્ડ મિટિંગ નહીં પરંતુ કોર્પોરેશનની કોઈ પણ મિટિંગમાં ત્રણ મહિના સુધી ન જાઓ તો કાનૂની નિયમ મુજબ કાર્યવાહી લાગુ પડે પરંતુ હું ઓક્ટોબરમાં સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં હાજર હતો તેથી સળંગ ત્રણ મહિના ગેરહાજરી ન જ ગણાય. મૂળ નિયમ તો છ માસનો છે. રજાઓ કે મેડિકલ હોય તો પણ સળંગ ત્રણ માસમાં સ્ટેન્ડિંગ અટેન્ડ કરી છે એટલે ઉપરોક્ત કાર્યવાહી મને લાગુ ન પડે તેવું મારું સ્પષ્ટ માનવું છે.