BREAKING NEWS

પાસિંગ ધ પાર્સલ રમવાની આદત છૂટી નહિ: મનપાએ રખડુ કુતરાઓનું ધ્યાન રાખવાનું શાળા, કોલેજો, હોસ્પિટલો ઉપર ઢોળી દીધું

  • November 25, 2025 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દર્દ તો ન દૂર કર શકેંગે, પર દવાઇ જરૂર દેંગેની ઉક્તિને સાર્થક કરતા રાજકોટ મહાપાલિકાએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એક પરિપત્ર પ્રસિધ્ધ કરીને રખડું કૂતરાઓ મામલે ધ્યાન રાખવાનું શાળાઓ, કોલેજો અને હોસ્પિટલો ઉપર છોડ્યું છે. પાસિંગ ધ પાર્સલ રમવાની મહાપાલિકા તંત્રની પુરાની આદત રહી છે અને તે મુજબ આ અંગેની કામગીરીનો પણ ઉલાળીયો કરી દેવામાં આવ્યો છે. રખડું કૂતરાઓના ત્રાસને નાથવાની જવાબદારીમાં નિષ્ફળ રહેલી મહાપાલિકાએ હવે અન્ય સંકુલો માટે ખર્ચાળ આદેશો જારી કર્યા છે.

રાજકોટ સહિતના શહેરોમાં વધતા જતા રખડતા કૂતરાઓના ત્રાસ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં ગાઇડલાઇન જાહેર કરી રખડતા કૂતરાઓનો સર્વે અને ત્રાસ સામે લોકોને રક્ષણ મળે તે પ્રકારની જવાબદારી પૂર્વકની કાર્યવાહી કરવાનો દરેક મનપા અને નપાને આદેશ કર્યો છે. જેના પગલે રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની ૩૯ હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજ, ગર્વમેન્ટ સ્કૂલો અને ખાનગી શાળાઓ કે, જેમાં ગ્રાઉન્ડ અને પરીસર હોય તેઓએ તાત્કાલીક ધોરણે ફેન્સીંગ અને બાઉન્ટ્રી હોલ કરી રખડતા શ્ર્વાન પ્રિમાયસીમાં ધુસી ન જાય તેનુ ધ્યાન રાખવા અને એક નોડલ ઓફિસરની નિમણુક કરી મનપાને રિપોર્ટ આપવાની સૂચના આપી છે.

મનપાના પ્રણી રંજાડ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ રખડતા કૂતરાઓના ત્રાસ સામે નાગરિકોને રક્ષણ આપવા માટે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જે મુજબ શહેરમાં રખડતા તમામ કૂતરાઓનો સર્વે કરી તેમનો ચોક્કસ આંકડો તૈયાર કરવાની તેમજ પબ્લીક એકમો કે, જયાં સતત લોકોની અવર-જવર અને હાજરી રહેતી હોય તેવા એકમોમાં રખડતા કૂતરાઓ ધુસી રહ્યા છે. કે કેમ તેની વિગત એકઠી કરવા સહિતની સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની પરિસર વાળી તેમજ ગ્રાઉન્ડ વાળી સાત સરકારી સહિત ૩૯ હોસ્પિટલો તેમજ મનપા સંચાલિત તમામ શાળાઓ તથા અન્ય ગર્વમેન્ટ સ્કૂલ અને મનપાના અર્બન સેન્ટરો તથા મેડિકલ કોલેજ સહિતના એકમોને સૂચના સાથે પરિપત્ર પાઠવવામાં આવ્યો છે.

મનપાએ પાઠવેલ પરિપત્રમાં જણાવ્યા મુજબ આ પ્રકારના તમામ એકમોએ રખડતા કૂતરાઓ પરિસરમાં અને ગ્રાઉન્ડમાં ધુસી ન જાય તે માટે ફેન્સીંગ અને કમ્પાઉન્ડ હોલ બનાવવામાં આવે તેવી જ રીતે દરેક એકમોએ એક નોડલ ઓફિસરની નિમણુક કરવાની રહેશે અને તમામ કામગીરી પૂર્ણ થઇ ગયા બાદ આ નોડલ ઓફિસર દ્વારા રિપોર્ટ તૈયાર કરી મહાપાલિકાને આપવાનો રહશે. વખતોવખત મનપા દ્વારા તમામ એકમોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે.


મનપાએ પરિપત્ર આવા આદેશો આપ્યા

આદેશ નં.૧: કમ્પાઉન્ડ વોલની ઉંચાઇ વધારો

આદેશ નં.૨: સંકુલ ફરતે ફેન્સિંગ કરાવો

આદેશ નં.૩: નોડલ ઓફિસર નિયુક્ત કરો

આદેશ નં.૪: વખતો વખત મનપાને રિપોર્ટ કરો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application