શહેરના મંગળા મેઈન રોડ પર સરાજાહેર ફાયરિંગ પ્રકરણમાં પેંડા ગેંગનાં 15 શખસોને ઝડપી પાડી પોલીસે 17 શખ્સો વિરુદ્ધ ગુજસીટોક એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી બાજુ જંગલેશ્વરની મુરઘા ગેંગનો મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે મુરઘો સહિત ત્રિપુટીને દબોચી લઈ આકરી સરભરા કરી હતી. દરમિયાન ફાયરિંગ પ્રકરણમાં કાર્ટિસનાં ખોખા વીણી પુરાવાનો નાશ કરનાર મુરઘા ગેંગનાં વધુ એક સભ્ય આબીદ ગોધાવિયાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે.
પેંડા ગેંગના 17 સભ્યો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો
ગઈ તા.૨૯ ની રાતે મંગળા મેઈન રોડ પર પેંડા અને મુરઘા ગેંગ વચ્ચે ફાયરિંગની ઘટના બની હતી. બનાવને પગલે એસઓજીએ પેંડા ગેંગના સૂત્રધાર રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત ચાર શખ્સોને દબોચી લીધા હતા અને આગવી ઢબે સરભરા કરી હતી. બાદમાં પેંડા ગેંગના 17 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક એકટ હેઠળ આકરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ એસીપી બી બી બસિયાની અધ્યક્ષતાના નિમાયેલી એસઆઈટી કરી રહી છે.
બીજી બાજુ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ જંગલેશ્વરની મુરઘા ગેંગનો મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે મુરઘો, ફાયરિંગ કરનાર સંજય ઉર્ફે સંજલો સહિતની ટોળકી ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે આગ્રાથી સંજલાથી વિખુટા પડી અમદાવાદથી રાજકોટ તરફ આવી રહેલ મુરઘા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે મુરઘો યાસીન પઠાણ (રહે. એકતા કોલોની, સોરઠીયાવાડી વે બ્રિજ આગળ, કોઠારીયા રોડ, રાજકોટ) તેમજ તેના સાગરીતો સોહીલ ઉર્ફે ભાણો સિકંદર ચાનિયા (હુસૈની ચોક, જંગલેશ્વર, રાજકોટ) અને શાહનવાઝ ઉર્ફે નવાઝ મુસ્તાકભાઈ વેતરણ(નીલમ સોસાયટી, દેવપરા, કોઠારીયા રોડ)ને ઝડપી લીધા હતા.
મુરઘા ગેંગની ત્રિપુટી ઝડપાયા બાદ ડીસીપી ક્રાઇમ જગદીશ બંગરવા અને એસીપી ભરત બસિયાનાં માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ આર ગોંડલિયા, એમ એલ ડામોર અને સી એચ જાદવનાં નેતૃત્વ હેઠળ અલગ અલગ ટીમો ફાયરિંગ પ્રકરણમાં સંડોવાયેલ મુરઘા ગેંગનાં વધુ સભ્યોને ઝડપી લેવા પ્રયત્નશીલ હતી. દરમિયાન પીએસઆઈ વનરાજસિંહ ડોડીયાની ટીમે મુરઘા ગેંગનાં સભ્ય આબીદ હનીફભાઈ ગોધાવીયાને જંગલેશ્વર વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.
ફાયરિંગની ઘટના બાદ બંને ગેંગ વચ્ચે સમાધાન થઇ જતાં ફાયરિંગ દરમિયાન જ્યાં ત્યાં પડેલ કાર્ટિસ વીણીને આબીદે જ સગેવગે કર્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ ટીમે આબીદ હનીફભાઈ ગોધાવીયાને ઝડપી એસઓજીનાં હવાલે કર્યા હતા.