નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે રવિવારે કોંગ્રેસ કર્ણાટક એકમના વડા તરીકે રાજીનામું આપવાની અફવાઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેઓ પાર્ટીના "શિસ્તબદ્ધ સૈનિક" છે અને મારી રાજનીતિક તબિયત એકદમ સ્વસ્થ છે.હું કોંગ્રેસને બ્લેકમેલ નહીં કરૂ. નવી દિલ્હીમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ, કર્ણાટકમાં સંભવિત નેતૃત્વ પરિવર્તન અને મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો વચ્ચે તેમની ટિપ્પણી સામે આવી હતી.
શિવકુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ફેરબદલનો નિર્ણય ફક્ત સિદ્ધારમૈયાનો વિશેષાધિકાર છે અને તે પાર્ટીના હાઇકમાન્ડ સાથે ચર્ચા કર્યા પછી લેવામાં આવશે.
તેમણે ઉલ્લેખ કર્યો કે તેઓ કર્ણાટકમાં 100 નવા કોંગ્રેસ કાર્યાલયોના શિલાન્યાસ સમારોહમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને આમંત્રણ આપવા માટે દિલ્હીમાં હતા.તેમને કહ્યું કે હું એક શિસ્તબદ્ધ સૈનિક તરીકે પાર્ટીની સેવા કરવા માટે સમર્પિત છું, મને જે પણ કાર્યો સોંપવામાં આવે છે તે કરી રહ્યો છું.
શિવકુમારે આ અટકળોને મીડિયાને જવાબદાર ગણાવી અને કહ્યું, "હું કોંગ્રેસને બ્લેકમેલ કરનાર નથી. મેં આ પાર્ટી બનાવી છે અને તેના માટે દિવસ-રાત અથાક મહેનત કરી છે. હું ભવિષ્યમાં પણ આમ કરતો રહીશ. અમારો પક્ષ 2028 માં (કર્ણાટકમાં) સત્તામાં પાછો આવશે.
100 કોંગ્રેસ કાર્યાલયોના શિલાન્યાસ સમારોહ ઉપરાંત, તેમણે લખેલા પુસ્તક "ગાંધી-ભારત" માટે એક લોન્ચ ઇવેન્ટ પણ હશે. આ પુસ્તકમાં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં એક સદી પહેલા કોંગ્રેસના બેલાગવી સત્ર અને પાર્ટીએ તે સત્રના શતાબ્દી સમારોહનું આયોજન કેવી રીતે કર્યું તેની વિગતો આપવામાં આવી છે. કર્ણાટકના ગૃહમંત્રી જી પરમેશ્વરે રવિવારે સંકેત આપ્યો હતો કે રાજ્યમાં ફક્ત મંત્રીમંડળમાં ફેરબદલ થશે, નેતૃત્વમાં ફેરફાર નહીં. એવી અટકળો ચાલી રહી હતી કે ફેરબદલ થવાની શક્યતા છે. જોકે, સિદ્ધારમૈયાએ દિલ્હીમાં સ્પષ્ટતા કરી હતી કે ફેરબદલ પર કોઈ ચર્ચા થઈ નથી, પરંતુ બિહાર ચૂંટણીના પરિણામો પર ચર્ચા થઈ છે.