ગીરના જંગલો અને વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત દુઃખદ અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં ફરી એકવાર સિંહોના મોતના કારણે વનવિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે. તાજેતરમાં ત્રણ સિંહબાળ સહિત પાંચ સિંહોના ભેદી સંજોગોમાં મોત થતાં ગીરના વન્યજીવ સૃષ્ટિમાં માતમ છવાઈ ગયો છે. પ્રાથમિક તપાસ અને તબીબી અહેવાલોના આધારે આ તમામ મોતો પાછળ ઘાતક બેબસીયા વાયરસ જવાબદાર હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. એકસાથે પાંચ સિંહોના મોતની આ ઘટનાએ વન વિભાગની ઊંઘ હરામ કરી દીધી છે.
મળતી માહિતી મુજબ ગીર ગઢડા બોર્ડર પર આવેલી જસાધાર રેન્જમાં એક જ દિવસમાં બે સિંહોના મોત થવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારબાદ આસપાસના વિસ્તારમાંથી અન્ય સિંહબાળોના મૃતદેહ પણ મળી આવ્યા હતા. ગીરના જંગલોને એશિયાટીક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન માનવામાં આવે છે અને આવી પરિસ્થિતિમાં સિંહોના આ પ્રકારે મોત થવા એ વન્યજીવ પ્રેમીઓ માટે ખુબ જ મોટો આઘાત છે. સિંહોની વસ્તી ગણતરી મુજબ હાલમાં સૌથી વધુ સિંહો અમરેલી જિલ્લાના વિસ્તારોમાં વસવાટ કરે છે, જેના કારણે વન વિભાગે આ વિસ્તાર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
આ વાયરસનું નામ સામે આવતા જ વન વિભાગના અધિકારીઓના જીવ તાળવે ચોંટી ગયા છે, કારણ કે લગભગ આઠ વર્ષ પૂર્વે આ જ બેબીસીયા વાયરસે ગીરના જંગલોમાં ભારે હાહાકાર મચાવ્યો હતો. વર્ષ ૨૦૧૮માં આ ઘાતક વાયરસ અને સીડીવી (કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ)ના સંક્રમણને કારણે ૨૩ જેટલા સિંહોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એ સમયે પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે સિંહોને બચાવવા માટે છેક અમેરિકાથી ખાસ વેક્સિન અને દવાઓ તાત્કાલિક ધોરણે મંગાવવાની ફરજ પડી હતી.
હવે ફરી એકવાર આ વાયરસના લક્ષણો દેખાતા જ વન વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. જસાધાર રેન્જ અને ગીર ગઢડા બોર્ડર પર તંત્રને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં સિંહોના લોકેશન ટ્રેક કરવા અને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે.
વન રક્ષકો અને ટ્રેકર્સ દ્વારા જંગલના ખૂણે-ખૂણામાં સિંહોના ગ્રૂપનું સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જો કોઈ સિંહ બીમાર અથવા સુસ્ત દેખાય તો તેને તાત્કાલિક એનિમલ કેર સેન્ટરમાં ખસેડીને આઈસોલેટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
વન વિભાગના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલમાં સ્થિતિ નિયંત્રણ હેઠળ રાખવા માટે તમામ આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. જંગલમાં વસતા અન્ય વન્યજીવોમાં આ સંક્રમણ ન ફેલાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સિંહોની સુરક્ષા એ ગુજરાતની અસ્મિતાનો સવાલ હોવાથી, સરકાર અને વન વિભાગ આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યા છે.