BREAKING NEWS

આજી ડેમ-1માં સૌની યોજનાનું નર્મદાનીર છોડાયું, રાજકોટવાસીઓ માટે પાણીનું સંકટ ટળશે

  • June 19, 2026 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વરસાદ વધુ ખેંચાય તો હવે હાલત માઠી થાય તેમ છે, આજી-૧ અને ન્યારી-૧ ડેમમાં હવે તા.૧૯ જુલાઇ સુધી ચાલે તેટલો જ જળ જથ્થો ઉપલબ્ધ છે. દરમિયાન રાજકોટ શહેરમાં દૈનિક ૨૦ મિનિટની પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા માટે મહાપાલિકાએ બન્ને જળાશયોમાં ૪૦૦ એમસીએફટી મળી કુલ ૮૦૦ એમસીએફટી નર્મદાનીર આપવા માંગણી કરી હતી જે સરકારે ત્વરિત ગ્રાહ્ય રાખી આજીમાં નર્મદાનીર આપવાનું શરૂ કર્યું છે અને આજીમાં પૂરતો જથ્થો ઠાલવ્યા બાદ ન્યારીમાં નર્મદાનીર છોડાશે.

વિશેષમાં મ્યુનિ.સૂત્રોના જણાવ્યા મુજબ કુલ ૨૯ ફૂટની ઊંડાઇના આજી-૧ ડેમની સપાટી હાલ ૧૮.૮૦ ફૂટ છે. દરમિયાન ગઇકાલથી સૌની યોજનાનું નર્મદાનીર ઠાલવવાનું શરૂ કરતા ડેમની સપાટીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૧૩ ફૂટનો વધારો નોંધાયો છે. જ્યારે કુલ ૨૫.૧૦ ફૂટની ઊંડાઇના ન્યારી-૧ ડેમની સપાટી હાલ ૧૩.૯૦ ફૂટ બાકી રહી છે, આજીમાં ૪૦૦ એમસીએફટી નર્મદાનીર ઠાલવ્યા બાદ ન્યારીમાં ૪૦૦ એમસીએફટી નર્મદાનીર ઠાલવવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગઇકાલે તા.૧૮ જૂને બપોર બાદ રાજકોટ શહેરમાં મોસમનો પહેલો વરસાદ નોંધાયો છે પરંતુ જ્યાં સુધી શહેરને પીવાનું પાણી પુરુ પાડતા આજી અને ન્યારીના કેચમેન્ટ એરિયા હેઠળના વિસ્તારોમાં સંતોષકારક વરસાદ ન વરસે અને જળાશયોમાં વરસાદી પાણીની આવક શરૂ ન થાય ત્યાં સુધી સૌની યોજનાના નર્મદાનીરની જરૂરિયાત રહેશે. બીજી બાજુ હાલ સૌની યોજનાનું નર્મદાનીર પણ પ્રમાણસર જ ઠાલવવાનું રહે છે કારણ કે જો અચાનક વરસાદ વરસે અને વરસાદી પાણીની આવક થાય તો તે સ્થિતિની કલ્પના કરીને હાલ તો જરૂરિયાત પૂરતું જ નર્મદાનીર ઠાલવવાનું રહે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application