જામનગર: ગણેશ વિસર્જન માટે જામ્યુકોની નવીન પહેલ : કુંડ પર પહોંચ્યા બાદ સ્થળ પર જ ડિજિટલ રજિસ્ટ્રેશન
જામનગર: ગણેશ વિસર્જન માટે જામ્યુકોની નવીન પહેલ : કુંડ પર પહોંચ્યા બાદ સ્થળ પર જ ડિજિટલ રજિસ્ટ્રેશન
September 15, 2026 05:48 PM
જામનગર: ગણેશ વિસર્જન માટે જામ્યુકોની નવીન પહેલ : કુંડ પર પહોંચ્યા બાદ સ્થળ પર જ ડિજિટલ રજિસ્ટ્રેશન
બંને વિસર્જન કુંડ ખાતે ક્યુઆર કોડ-બારકોડની સુવિધા : ગણપતિ મંડળો અને આયોજકો મોબાઈલથી સ્થળ પર જ વિગતો નોંધાવી શકશે
જામનગર શહેરમાં ગણેશોત્સવ દરમિયાન ગણપતિજીની મૂર્તિઓના સુવ્યવસ્થિત અને સલામત વિસર્જન માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પ્રથમ વખત ટેક્નોલોજી આધારિત નવીન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. શહેરમાં તૈયાર કરવામાં આવેલા બંને વિસર્જન કુંડ ખાતે ગણપતિ મંડળોના સંચાલકો, પંડાલ સંચાલકો તેમજ ઘરમાં ગણપતિજીની સ્થાપના કરનારા આયોજકો માટે સ્થળ પર જ ડિજિટલ રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ વ્યવસ્થામાં અગાઉથી કોઈ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું કે વિસર્જન માટે સમય ફાળવવાનો રહેશે નહીં. ગણપતિ મંડળ અથવા આયોજક જ્યારે વિસર્જન માટે નિર્ધારિત કુંડ ખાતે પહોંચશે ત્યારે સ્થળ પર મૂકવામાં આવેલા ક્યુઆર કોડ અને બારકોડને મોબાઈલ ફોનથી સ્કેન કરીને પોતાનું નામ, મંડળ સહિતની જરૂરી વિગતોનું રજિસ્ટ્રેશન કરી શકશે. આમ, વિસર્જન સ્થળ પર જ સમગ્ર પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી પૂર્ણ કરવામાં આવશે.
હાલ વરસાદી સીઝન ચાલી રહી હોવાથી કાગળની કામગીરી અને કાગળના ફોર્મ ભરવાની પ્રક્રિયા ઘટાડીને ડિજિટલ વ્યવસ્થાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સ્થળ પર પહોંચેલા ગણપતિ મંડળોના સંચાલકોને પોતાની વિગતો નોંધાવવા માટે મહાનગરપાલિકા દ્વારા જરૂરી માર્ગદર્શન અને સહાય પણ આપવામાં આવશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે પ્રથમ વખત આવી ડિજિટલ રજિસ્ટ્રેશન વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. તેના કારણે વિસર્જન માટે આવતા ગણપતિ મંડળો અને આયોજકોની વિગતો વ્યવસ્થિત રીતે ડિજિટલ માધ્યમમાં નોંધાઈ શકશે તેમજ વિસર્જનની સમગ્ર પ્રક્રિયાનું સંચાલન અને દેખરેખ વધુ સરળ બની શકશે.
મહાનગરપાલિકા દ્વારા સમર્પણ સર્કલથી બાયપાસ ચોકડી તરફ એરપોર્ટ રોડ પર તથા લાલપુર બાયપાસથી રણજીત સાગર રોડ પર સરદાર રિવેરા સોસાયટીના અંદરના ભાગમાં બે વિશાળ કૃત્રિમ વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. બંને સ્થળોએ ગણપતિજીની મૂર્તિના પૂજન-અર્ચન અને આરતી બાદ ભક્તિભાવપૂર્વક વિસર્જન થઈ શકે તે માટે પાણી, લાઇટિંગ, પાર્કિંગ સહિતની જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની તેમજ પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખાના રાજીવ જાની સહિતની ટીમ દ્વારા સમગ્ર વિસર્જન વ્યવસ્થાનું આયોજન અને દેખરેખ રાખવામાં આવી રહી છે.
ગણપતિ મંડળો અને આયોજકો જ્યારે વિસર્જન માટે બંને પૈકીના કોઈપણ નિર્ધારિત સ્થળે પહોંચે ત્યારે સ્થળ પર ઉપલબ્ધ ક્યુઆર કોડ અથવા બારકોડના માધ્યમથી મોબાઈલ ફોન દ્વારા ડિજિટલ રજિસ્ટ્રેશન કરાવવા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થાથી કાગળની કામગીરી વિના સ્થળ પર જ ઝડપી અને સરળતાથી રજિસ્ટ્રેશન થઈ શકશે.