BREAKING NEWS

મુખ્યમંત્રીએ ફરિયાદ કરી: ૫૦૦૦ કરોડના ટેક્ષ ચુકવ્યા પછીયે નેશનલ હાઇવેની હાલત ખરાબ

  • November 27, 2025 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્રીય રોડ મંત્રી નીતિન ગડકરી ગઈકાલે ગુજરાતની મુલાકાતે હતા.આ મુલાકાત દરમિયાન ગુજરાતમાં નેશનલ હાઈવેની સ્થિતિને લઈને મુખ્યમંત્રી કક્ષાએથી વિશેષ ડોઝીયર આપવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના નેશનલ હાઈવે ની હાલત અંગે રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાતના ઘણા નેશનલ હાઇવે, એક્સપ્રેસવે અને ગ્રીનફીલ્ડ કોરિડોરના કામો સાવ મંથર ગતિએ ચાલી રહ્યા છે. વર્ષોથી બની રહેલો નેશનલ હાઇવે-48 હજુ પણ અધૂરો છે. હિંમતનગર થી પસાર થતાં અને ગુજરાતને દિલ્હી સાથે જોડતા આ હાઇવેની કામગીરીને લઇને લોકોમાં અસંતોષ છે ત્યારે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાઇટ વિઝિટ કરી હતી.

આ ઉપરાંત નવા બનેલા કેટલાક રસ્તા પણ તૂટી ગયા છે અને જ્યાં સમારકામ કરાય ત્યાં ફરી ખાડાં પડ્યા છે.ભારતમાલા અને જામનગર-અમૃતસર હાઇવેમાં કોન્ટ્રાક્ટરોએ કરેલાં નબળી ગુણવત્તાના કામને કારણે સરકારની છાપ ખરાબ થઇ રહી છે. દરખાસ્ત કરાયેલાં કેટલાંક હાઇવેમાં જમીન સંપાદનની પ્રક્રિયા વળતરની સમસ્યાને કારણે ઘોંચમાં પડી છે ,ઘણાં હાઇવે પર મુસાફરોની સલામતીનું ઓડિટ કરવું પડે તેમ છે કારણ ડિઝાઇનમાં ખામીને કારણે બ્લાઇન્ડ સ્પોટ્સ વધુ હોવાથી અકસ્માત થાય છે.

ગુજરાતમાં ઠેરઠેર નેશનલ હાઇવેના થયેલા ધોવાણને લઇને ગુજરાતના લોકોમાં રોષ છે. આ સમગ્ર બાબતે મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રીને એક ડોઝિયર આપીને ગુજરાતમાં કામ ઝડપથી થાય માટે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી રાજ્યના અધિકારીઓ તથા એનએચએઆઇના અધિકારીઓ તે ઉપરાંત તેમજ રોડના કોન્ટ્રાક્ટર્સ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ગુજરાતના હાઇવે પરના ટોલ ટેક્સથી કેન્દ્રને વર્ષે 5 હજાર કરોડ જેટલી આવક છે છતાં રસ્તાની ગુણવત્તા યોગ્ય નથી તે બાબત પણ આ દરમિયાન ચર્ચાઇ હતી.

વિશેષતઃ અમદાવાદ–વડોદરા, રાજકોટ–સોમનાથ, પાલનપુર કચ્છ સહિતના હાઇવેના ખરાબ હાલ અને ત્યાં ચાલી રહેલાં ધીમા સમારકામને લઈને રજૂઆતો કરાઇ હતી. હિંમતનગર હાઇવે અંગે સાબરકાંઠા સાંસદ શોભના બારૈયાએ પણ રજૂઆત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application