વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ પર લોકસભામાં ચર્ચા શરૂ કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર વિભાજનનો આરોપ મુકતા કહ્યું હતું કે નહેરુએ વંદે માતરમના ટુકડા કર્યા. તેની સામે વિપક્ષે ભાજપ પર દેશમાં ભેદભાવભર્યો માહોલ ઉભો કરવાનો આક્ષેપ કરતા કહ્યું હતું કે જે લોકો આઝાદીનો સંગ્રામ લડ્યા જ નથી અને અંગ્રેજોના બાતમીદાર બનીને ક્રાંતિકરીઓને પકડાવ્યા છે તેઓ વંદે માતરમને હાઈજેક કરી જવા માંગે છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ વંદે માતરમને વિવાદમાં ખેંચવાનો દોષી છે. તેમણે આરોપ લગાવ્યો કે જવાહરલાલ નેહરુએ મુસ્લિમ લીગના દબાણ સામે ઝૂકીને વંદે માતરમમાંથી અમુક પદ કાઢી નાખ્યા હતા. ૧૯૩૭માં મોહમ્મદ અલી ઝીણાએ વંદે માતરમનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ તેમણે તેની સમીક્ષા શરૂ કરી હતી. પીએમ મોદીએ કહ્યું, "ઝીણાના વિરોધના પાંચ દિવસ પછી, નેહરુએ એક પત્ર લખ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે આ ગીત મુસ્લિમોને ઉશ્કેરે છે. અને અહીંથી, આ પવિત્ર ગીતને બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું." તેમણે કહ્યું કે કોંગ્રેસે તેને સામાજિક સંવાદિતા કહી હતી, પરંતુ વાસ્તવમાં, તે તુષ્ટિકરણની રાજનીતિ હતી જેણે રાષ્ટ્રીય ભાવનાને ઠેસ પહોંચાડી અને આખરે ભારતના ભાગલા પાડવાની માનસિકતાને જન્મ આપ્યો.
સપાના વડા અખિલેશ યાદવે ભાજપને રાષ્ટ્રવાદી પક્ષ નહીં પણ "રાષ્ટ્રીય-વિવાદાસ્પદ પક્ષ" ગણાવ્યો છે. શાસક પક્ષ પર બધું પોતાના માટે કબજે કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું, "વંદે માતરમ એ કોઈ પક્ષ કે વ્યક્તિની મિલકત નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રની ભાવના છે. જે લોકોએ સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો ન હતો તેઓ વંદે માતરમનું મહત્વ કેવી રીતે સમજી શકે? કેટલાક લોકો અંગ્રેજો માટે જાસૂસી કરતા હતા, અને આજે તેઓ પોતાને રાષ્ટ્રવાદી કહે છે. ભારતીય જનતા પાર્ટી પોતાને રાષ્ટ્રવાદી પક્ષ કહે છે, પરંતુ તે એક રાષ્ટ્રીય-વિવાદાસ્પદ પક્ષ છે. જ્યાં પણ વિવાદની જરૂર હોય છે, ત્યાં તેમના (ભાજપ) લોકો સૌથી આગળ હોય છે."
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું, "મુસ્લિમ લીગ કહેતી હતી કે સમગ્ર વંદે માતરમનો બહિષ્કાર કરવો જોઈએ. મુસ્લિમ લીગને આ અધિકાર ક્યાંથી મળ્યો? શું દેશ તેમની ઇચ્છા મુજબ ચલાવવામાં આવશે? ના, બિલકુલ નહીં. કોંગ્રેસના મૌલાના આઝાદે સ્પષ્ટપણે કહ્યું કે તેમને વંદે માતરમ સામે કોઈ વાંધો નથી. મુસ્લિમ લીગના મૌલાના આઝાદ અને ઝીણા વચ્ચે આ જ તફાવત હતો. ભારે દબાણ છતાં, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યાં પણ સંમેલન યોજાય, ત્યાં અમે પહેલી બે પંક્તિઓ ગાઈશું."
ઇન્ડિગો મુદ્દે સરકારને ઘેરી
તેમણે કહ્યું કે સરકાર દાવો કરે છે કે ચંપલ પહેરનારાઓ પણ વિમાનમાં ચઢી શકે છે, પરંતુ હવે, આટલી મોંઘી ટિકિટો સાથે, જૂતા પહેરનારાઓ પણ ચઢી શકતા નથી. DGCA ના આદેશનું પાલન કરવાનો ઇન્ડિગોના ઇનકાર અંગે, અખિલેશ યાદવે કહ્યું, "ડૉ. રામ મનોહર લોહિયાએ કહ્યું હતું કે મૂડીવાદી મૂડીવાદીઓને મારી નાખે છે, અને જ્યારે મૂડીવાદીઓ સરકાર પર પ્રભુત્વ ધરાવે છે, ત્યારે આવું જ થશે."