રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા ગુનાખોરીનો સફાયો કરવા ગુજસિટોક શસ્ત્ર ઉગામતા આવારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે ત્યારે ભોમેશ્વર ફાટક નજીક આવેલ બાપજી એપાર્ટમેન્ટની અગાસીમાં એપાર્ટમેન્ટમાં જ રહેતા યુવકનો કોહવાયેલો અત્યંત દુર્ગંધ આવતી લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા ગાંધીગ્રામ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અને કાફલો ઘટનાસ્થળે દોડી જઇ બનાવ હત્યાનો કે આત્મહત્યા તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
એક જાગૃત વ્યક્તિએ પોલીસને જાણ કરી
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ભોમેશ્વર પ્લોટમાં રેલવે ફાટક નજીક આવેલા બાપજી એપાર્ટમેન્ટ માં રહેતા એક યુવકની દુર્ગંધ મારતી હત્યા કરાયેલી હાલતમાં લાશ પડી હોવાનું એપાર્ટમેન્ટમાં રહેતા એક જાગૃત વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. જેના પગલે ગાંધીગ્રામ પોલીસ મથક નો ડી સ્ટાફ તેમજ ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બીબી બસીયા, ગાંધીગ્રામ ઇન્ચાર્જ પીઆઇ હરેશ પટેલ, તેમજ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ ગોંડલીયા પીઆઇ મનોજ ડામોર, પીઆઇ ચિરાગ જાદવ તેમજ જુદી જુદી ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી.
ઘટનાસ્થળે પહોંચી પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા મૃતક અબ્બાસ યુસુફભાઈ મરચન્ટ ઉંમર વર્ષ 40 વાળો હોવાનું તેમજ બાપજી એપાર્ટમેન્ટમાં જ એકલો રહેતો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસની વધુ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે બે દિવસથી એપાર્ટમેન્ટમાં દુર્ગંધ આવતી હોય જેથી એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય રહીશોએ અગાસીની ચકાસણી કરતા લાશ નજરે પડી હતી. જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી.
તો બીજી તરફ મૃતકે આત્મહત્યા કરી કે તેની હત્યા? તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રથમ મૃતકની બહેનને જાણ કરવામાં આવી હતી જે ઘટના સ્થળે દોડી આવી હતી જેની પ્રાથમિક પૂછપરછમાં ત્રણ દિવસ પહેલા પોતાના ભાઈ અબાસનો ફોન લગાડતી હોય પરંતુ ફોન ઉપાડતો ન હતો તેવું તેણે જણાવ્યું હતું. મૃતક બે ભાઈ બહેનમાં નાનો હોવાનું જાણવા મળ્યું છે. મૃતકની કોહવાયેલી લાશની પ્રાથમિક તપાસ દરમિયાન તેના છાતીના ભાગે છરીના ઘા ઝીંકવામાં આવ્યાનું તેમજ જેનાથી હત્યા કરી હતી તે છરી પણ ત્યાંથી મળી આવી હતી જેથી પોલીસે વોરા યુવક વોરા યુવક અબ્બાસ મર્ચન્ટની હત્યાનું કારણ સ્ત્રીપાત્ર કે નાણાંની લેતી દેતી? તે દિશામાં અલગ અલગ એંગલથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવા કાર્યવાહી હાથ ધરી હતી.
પાડોશી મહિલાને અગાસી પરથી દુર્ગંધ આવતા બનાવ સામે આવ્યો
હત્યાના આ બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ ભોમેશ્વર નજીક બાપજી એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા આજરોજ સવારના પોતાના ઘરની અગાસી પર ગયા હતા. ત્યારે પાડોશીની અગાસી પરથી અસહ્ય દુર્ગંધ આવતી હોય જેથી તેમને શંકા ગઈ હતી. બાદમાં આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
બહેન ત્રણ દિવસથી ફોન કરતી હતી, ફોન રિસીવ થતો ન હોય શંકા ગઈ
હત્યાના આ બનાવ અંગે એવી વિગત જાણવા મળી હતી કે, મૃતક યુવાન અબ્બાસ મર્ચન્ટને તેની બહેન છેલ્લા ત્રણ દિવસથી કોલ કરતી હોય પરંતુ ભાઈ ફોન ઉપાડતો ન હોવાથી તેને શંકા ગઈ હતી. જેથી તેમણે પાડોશીને જાણ કરી હતી. બીજી તરફ પાડોશી મહિલા પણ અગાસી પર જતા અબ્બાસની અગાસી પરથી દુર્ગંધ આવતી હોય સમગ્ર બનાવ સામે આવ્યો હતો.