રાજકોટમાં ધુળેટીની રાત લોહિયાળ બની હતી. કેકેવી બ્રિજ નીચે નેપાળી યુવકને માથામાં પથ્થરના ઘા ઝીકી હત્યા નિપજાવામાં આવતા અરેરાટી મચી જવા પામી છે. યુવક રાત્રીના ઘરેથી આટો મારવા જવાનું કહી નીકળ્યો હતો દરમિયાન કેકેવી બ્રિજ નીચે કોઈ સાથે ડખ્ખો થતા પથ્થરના ઘા મારતા ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા માલવિયા નગર પોલીસ દોડી ગઈ હતી તપાસ હાથ ધરી શકમંદને ઉઠાવી લઇ પુછપરછ હાથ ધરી છે.
માથાના ભાગે પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો
બનાવની પ્રાપ્ત વિગત મુજબ શહેરના આકાશવાણી ચોકમાં ગુ.હા.બોર્ડના ક્વાર્ટરમાં ભાડેથી રહેતો રાહુલ પ્રેમસીંગ વિશ્વકર્મા (ઉ.વ.33)નો રાત્રીના અઢી વાગ્યાના અરસામાં કેકેવી બ્રિજ નીચે હતો ત્યારે અજાણ્યાએ માથાના ભાગે પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા માલવીયાનગર પીઆઈ જે.આર.દેસાઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ યુવકના પરિવારને જાણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મૃતક બે બહેન એક ભાઇમાં મોટો હતો
મૃતક બે બહેન એક ભાઇમાં મોટો હતો, અગાઉ તેના છૂટાછેડા થઇ જતા માતા, ભાઈ અને બહેનો સાથે રહેતો હતો, થોડા દિવસ પહેલા સુરતની હોટેલમાં કામ છોડી પરત રાજકોટ આવી ગયો હતો અને હાલમાં કોઈ કામ ધંધો કરતો ન હોય બે દિવસ બાદ કોઈ નવી હોટેલમાં કામે જવાનું નક્કી કર્યું હતું. રાત્રીના સાડા દશેક વાગ્યે ઘરે માતા સરસ્વતીબેનને બહાર આટો મારવા જવાનું કહી નીકળ્યા બાદ અવાર નવાર કેકેવી બ્રિજ નીચે બેસવા જતો હોય કાલે પણ રાત્રીના ત્યાં બેઠો હતો દરમિયાન દારૂ પીવા બાબતે સાથે રહેલા શખસો સાથે ડખ્ખો થતા પથ્થરના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું.
સંભવિત નશાની હાલતમાં માથાકૂટ થતા હત્યા કરવામાં આવી
બનાવ અંગે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે અગાઉ રાજકોટમાં રહેતા અને હાલ કાલાવાડ પંથકના શકમંદ શખ્સને સંકજામાં લઈ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા કરનાર શખ્સ સાથે મૃતક પરિચિત હોય અગાઉ તેનો ફોન લઇ લીધો હોય જે પરત આપતો ન હોવાથી જેને લઈને સંભવિત નશાની હાલતમાં માથાકૂટ થતા હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ માલવીયા નગર પોલીસ મથકના પીઆઈ જે.આર.દેસાઈની રાહબરીમાં પોલીસ ટિમ કરી રહી છે.