BREAKING NEWS

જમીનમાં ભાગ માંગતા ફઈબાના ટાટીયા ભાંગી નાખવા ભત્રીજાઓએ આપી ધમકી

  • December 16, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ગોંડલ રોડ પર આવેલ શક્તિ સોસાયટીમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધાના પિતાની વાડોદર ગામે 31 વીઘા જમીન આવેલી હોય જે જમીનમાં 9 ભાંડરડાના 7/12માં નામ બોલતા હોય પોતાનો વારસાઈ હિસ્સો માંગતી અરજી ફઈબાએ મામલતદાર કચેરીમાં કરતા આ અંગેનો ખાર રાખી ભત્રીજાઓએ ધમકી આપી કહ્યું હતું કે જો જમીનમાં પગ મૂકશો તો પાટીયા ભાંગી નાખીશું કહી એકટીવામા તોડફોડ અને નુકસાન કરતા આ અંગે તાલુકા પોલીસ મથકમાં વૃદ્ધાએ ફરિયાદ નોંધાવી હતી.


પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ રાજકોટના ગોંડલ રોડ પરીન ફર્નિચરની પાછળ શક્તિનગર સોસાયટીમાં રહેતા ધ્રુપતબા મહાવીરસિંહ ઝાલા ઉ.વ.60 એ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં રાજકોટમાં રહેતા તેના ભત્રીજાઓ સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ધ્રુપતબા એ રાજકોટમાં જ રહેતા દેવેન્દ્રસિંહ અશોકસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ રસિકસિંહ જાડેજા અને શક્તિસિંહ ઘનશ્યામસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મૂળ ધોરાજી તાલુકાના વાડોદર ગામે ફરિયાદી પિયર ધરાવે છે ધ્રુપતબાના પતિનું વર્ષ 2007માં અવસાન થયું છે. તેઓને સંતાનમાં એક દીકરો અને દીકરી છે. જે બંને સંતાનોના લગ્ન થઈ ગયા છે. પોતે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાનું કંથારિયા ગામે રહે છે. પોતાને ત્રણ બહેન અને છ ભાઈ છે. તેમના પિતાની વાડોદર ગામમાં કુલ 31 વીઘા જમીન આવેલી છે. એમાં નવેય ભાઈ-બહેનના સાતબારમાં નામ લખેલા હતા.


પાંચેક વર્ષ પહેલાં તેમના બહેન ઈન્દ્રાબા અને ગજરાબાએ જમીનમાંથી હક જતો કરી દીધો

હતો. આથી હાલમાં 7/12માં તેઓના નામ નથી. આ સિવાય તેમના ભાઈ પૃથ્વીરાજસિંહ, રસિકસિંહ, ઘનશ્યામસિંહ, દિલીપસિંહ તથા અશોકસિંહ અવસાન પામેલ છે. આથી 7/12માં તેમની પત્ની (ભાભી)ના નામ ચડેલા છે, જેમાના ચાર ભાઈ જયદેવસિંહ, દિલીપસિંહ, ઘનશ્યામસિંહ અને પૃથ્વીસિંહના નામે જે જમીન આવેલ છે.


તેમાં ધ્રુપતબાના ભાગમાં 3 વીઘા જમીન આવતી હોય જે જમીન તેઓને આપવાની હા કહેલ છે. અને અન્ય બે ભાઈઓ રસિકસિંહ અને અશોકસિંહની નામની જમીનમાં તેણીનો ભાગ નીકળતો હોય પણ બંને ભાઈઓ મૃત્યુ પામેલ છે જેથી તેમના દીકરા જેમાં અશોકસિંહનો દીકરો દેવેન્દ્રસિંહ અને રસિકસિંહનો દીકરો અનિરુદ્ધસિંહના નામે જમીન છે. જે બંનેએ ભાગ આપવાનીના કહી દીધી હોય જેથી પોતે ધોરાજી મામલતદાર કચેરીમાં વાંધા અરજી કરેલી હતી.


આ વાતનો ખાર રાખી ગત તા.9ના ફરિયાદી તેના દીકરા-વહુ સાથે રાત્રિના સમયે પોતાના ઘરે હતા ત્યારે ભત્રીજો અનિરુદ્ધસિંહ અને શક્તિસિંહ બંને ફોર વ્હિલ કાર લઈને ધસી આવ્યા અને તેમના હાથમાં લોખંડનો એંગલ તથા લાકડી હોય જેથી તેમણે ઘરના બારી-દરવાજા બંધ કરી ઉપરના માળે જઈ બેસી જતા ભત્રીજાએ કહ્યું કે, બહાર નીકળો તમારે ભાગ જોઈએ છે. ભત્રીજા અનિરુદ્ધે તો એમ પણ કહ્યું કે, મારી જમીનમાં જો પગ મૂક્યો તો ટાંટિયા ભાંગી ફાંકા પાડી દેવા છે તેમ કહી નાખવાની ધમકી આપી હતી. આ અંગે તાલુકા પોલીસ મથકમાં વૃદ્ધાએ ફરિયાદ નોંધાવતા ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઇ બીકે ચુડાસમા ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News