ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તેમના પોતાના દેશમાં અનેક ગંભીર મુકદ્દમાઓનો સામનો કરી રહ્યા છે, જેના કારણે જો તેઓ દોષિત ઠરે તો તેમને કડક સજા થઈ શકે છે બીજી તરફ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલી રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગને પત્ર મોકલીને નેતન્યાહૂને તેમના લાંબા સમયથી ચાલતા ભ્રષ્ટાચારના કેસમાં સંપૂર્ણ માફી આપવા માંગણી કરી હતી. નેતન્યાહૂના કેસમાં દખલ કરવાનો ટ્રમ્પનો આ તાજેતરનો પ્રયાસ છે, જેનાથી ઇઝરાયલની આંતરિક બાબતોમાં યુએસ પ્રભાવની ટીકા થઈ રહી છે.
ટ્રમ્પે ગયા મહિને ઇઝરાયલી સંસદ માં પોતાના ભાષણ દરમિયાન નેતન્યાહૂની માફીની પણ માંગ કરી હતી. તેઓ ગાઝા યુદ્ધ માટે તેમની યુદ્ધવિરામ યોજનાને પ્રોત્સાહન આપવા માટે ટૂંકી મુલાકાત પર હતા. હવે, ઇઝરાયલી રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં, ટ્રમ્પે નેતન્યાહૂ સામે ચાલી રહેલા ભ્રષ્ટાચારના કેસને "રાજકીય રીતે પ્રેરિત અને અન્યાયી કાર્યવાહી" ગણાવ્યો છે. તેમણે લખ્યું, "જેમ જેમ ઇઝરાયલનું મહાન રાષ્ટ્ર અને અદ્ભુત યહૂદી લોકો છેલ્લા ત્રણ વર્ષોના અત્યંત મુશ્કેલ સમયમાંથી આગળ વધી રહ્યા છે, તેમ તેમ હું તમને બેન્જામિન નેતન્યાહૂને સંપૂર્ણપણે માફ કરવા વિનંતી કરું છું, જેઓ યુદ્ધના સમય દરમિયાન એક પ્રબળ અને નિર્ણાયક વડા પ્રધાન રહ્યા છે અને હવે ઇઝરાયલને શાંતિના સમય તરફ દોરી રહ્યા છે.
નેતન્યાહૂ સામે કયા આરોપો છે?
નેતન્યાહૂ ઇઝરાયલી ઇતિહાસમાં એકમાત્ર વડા પ્રધાન છે જેમના પર પદ પર રહીને ફોજદારી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમના પર ત્રણ અલગ અલગ કેસોમાં નીચેના આરોપો છે જેમાં મીડિયા કવરેજના બદલામાં ભેટો સ્વીકારવી,:સરકારી નીતિઓને પ્રભાવિત કરવા માટે ગુપ્ત સોદા કરવા અને નિયમનકારી મંજૂરીના બદલામાં લાભ મેળવવવાનો સમાવેશ થાય છે. જો કે આ કેસ 2019 થી ચાલી રહ્યા છે, અને નેતન્યાહૂએ તમામ આરોપોને રાજકીય ષડયંત્ર તરીકે ફગાવી દીધા છે.
ઇઝરાયલીઓ શું વિચારે છે?
ટ્રમ્પના આ પગલાને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે, પરંતુ ઇઝરાયલી વિપક્ષ અને કેટલાક આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોએ તેને આંતરિક ન્યાયિક પ્રક્રિયામાં વિદેશી હસ્તક્ષેપ તરીકે ટીકા કરી છે. રાષ્ટ્રપતિ હર્ઝોગે હજુ સુધી પત્રનો સત્તાવાર રીતે જવાબ આપ્યો નથી, પરંતુ ઇઝરાયલી કાયદા હેઠળ, ફક્ત રાષ્ટ્રપતિ જ માફી આપી શકે છે. આ ઘટના મધ્ય પૂર્વ શાંતિ પ્રયાસો વચ્ચે યુએસ-ઇઝરાયલ સંબંધો વિશે નવી ચર્ચાને જન્મ આપી શકે છે.