વિદેશ પ્રવાસ કરીને ભારત પરત ફરતા મુસાફરો માટે ગઈકાલનો દિવસ ખૂબ જ મહત્વનો છે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા ‘બેગેજ રૂલ્સ ૨૦૨૬’ (Baggage Rules, 2026) ગઈકાલથી એટલે કે ૨ ફેબ્રુઆરી ૨૦૨૬થી અમલી બન્યા છે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોની સુવિધા વધારવી અને આધુનિક લાઈફસ્ટાઈલને ધ્યાનમાં રાખીને વ્યક્તિગત વસ્તુઓ પરનો ટેક્સનો બોજ ઘટાડવાનો છે. આ નિયમો હવે ૧૦ વર્ષ જૂના 'બેગેજ રૂલ્સ ૨૦૧૬' નું સ્થાન લેશે.
સામાન લાવવાની મર્યાદામાં મોટો વધારો
નવા નિયમો મુજબ હવે મુસાફરો પોતાની સાથે વધુ કિંમતી સામાન કોઈપણ ટેક્સ કે ડ્યુટી ભર્યા વગર લાવી શકશે. ભારતીય નાગરિકો, ભારતીય મૂળના પ્રવાસીઓ (PIO) અથવા માન્ય વિઝા ધરાવતા વિદેશી નાગરિકો હવે પોતાની સાથે ₹૭૫,૦૦૦ સુધીની કિંમતનો સામાન ડ્યુટી-ફ્રી લાવી શકશે. અગાઉ આ મર્યાદા ₹૫૦,૦૦૦ સુધીની જ હતી. ટુરિસ્ટ વિઝા પર ભારત આવતા વિદેશીઓ માટે પણ આ મર્યાદા ₹૧૫,૦૦૦ થી વધારીને ₹૨૫,૦૦૦ કરી દેવામાં આવી છે.
સોનાના આભૂષણો પર વિશેષ રાહત
જો તમે એક વર્ષથી વધુ સમયથી વિદેશમાં રહી રહ્યા છો અને હવે ભારત પરત ફરી રહ્યા છો, તો તમારા માટે સોનાના દાગીના લાવવાના નિયમોમાં મોટી રાહત આપવામાં આવી છે. તમે નીચે મુજબના વજન સુધીની જ્વેલરી કોઈ પણ ડ્યુટી ચૂકવ્યા વગર લાવી શકશો:
મહિલા મુસાફર: મહત્તમ ૪૦ ગ્રામ સુધીના સોનાના આભૂષણો.
પુરુષ મુસાફર: મહત્તમ ૨૦ ગ્રામ સુધીના સોનાના આભૂષણો.
ખાસ નોંધ
આ છૂટ માત્ર પર્સનલ ઉપયોગ માટે લાવવામાં આવેલા આભૂષણો પર જ મળશે. જો તમે વેચાણના હેતુથી અથવા બિસ્કિટ-લગડી સ્વરૂપે સોનું લાવશો, તો તેના પર પૂરેપૂરો ટેક્સ ભરવો પડશે.
નવા લેપટોપ અને નોટપેડ પર પણ છૂટ
આજના ડિજિટલ યુગમાં મુસાફરો માટે સૌથી મોટી રાહત ઈલેક્ટ્રોનિક્સમાં મળી છે. ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈ પણ મુસાફર (ક્રૂ મેમ્બર સિવાય) પોતાના સામાનમાં એક નવું લેપટોપ અથવા નોટપેડ ડ્યુટી-ફ્રી લાવી શકશે. આનાથી વિદેશથી ટેક ગેજેટ્સ ખરીદનારા ભારતીયોને મોટો ફાયદો થશે.