BREAKING NEWS

જસદણમાં માનવતાને ઝંઝોડતી ઘટના: હાડ થીજવતી ઠંડીમાં બાવળની જાડીમાંથી નવજાત બાળકી મળી આવી

  • January 25, 2026 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં માનવતાને ઝંઝોડતી ઘટના સામે આવી છે. સાણથલી ગામના વાસાવડ રોડ નજીક બાવળની જાળીમાં એક નવજાત બાળકી તરછોડાયેલી હાલતમાં મળી આવી હતી. બાળકીના રડવાના અવાજથી સ્થાનિક લોકોનું ધ્યાન દોરાયું હતું. અવાજ સાંભળતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને તરત જ જસદણ પોલીસને જાણ કરી હતી.


બાળકીને રાજકોટ ખસેડાઈ

સ્થાનિકોની જાણ બાદ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. નવજાત બાળકીની હાલત નાજુક હોવાથી પહેલા તેને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. માહિતી મુજબ, બાળકીને પગમાં કોઈ જીવજંતુ કરડ્યું હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. હાલ બાળકીની તબિયત સ્થિર હોવાનું અને સુધારા તરફ હોવાની જાણકારી મળી છે.


અમાનવીય કૃત્યની સૌ કોઈ નિંદા કરી રહ્યા છે

આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નિર્દોષ માસુમ બાળકી સાથે થયેલા આ અમાનવીય કૃત્યની સૌ કોઈ નિંદા કરી રહ્યા છે. બાળકીને કોણ અને શા માટે અહીં તરછોડી ગયું હશે તે પ્રશ્ન સૌના મનમાં ઉઠી રહ્યો છે.


મુખ્ય રસ્તાઓ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા

જસદણ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તપાસ શરૂ કરી છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી બાળકીના વાલી કે તરછોડનાર સુધી પહોંચવા પ્રયાસો તેજ કર્યા છે. આસપાસના વિસ્તાર તેમજ મુખ્ય રસ્તાઓ પર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવામાં આવ્યા છે. પોલીસનું માનવું છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ રાત્રિના સમયે અથવા વહેલી સવારે બાળકીને અહીં મૂકીને જતું રહ્યું હશે. પોલીસે લોકોમાં અપીલ કરી છે કે જો કોઈને આ બાબતે કોઈ માહિતી હોય તો તુરંત પોલીસનો સંપર્ક કરે, જેથી બાળકીને ન્યાય મળી શકે અને દોષિત સામે કડક કાર્યવાહી થઈ શકે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application