શહેરના વિદ્યાનગર મેઈન રોડ પર મનહર પ્લોટમાં રહેતા અખબાર એજન્ટ યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. યુવકે આર્થિક સંકડામણથી પગલું ભર્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ મનહરપ્લોટ શેરી નં. ૬માં રહેતાં જીતેન્દ્રભાઇ માણેકલાલ પતરીયા (ઉ.વ.૪૫)એ આજે વહેલી સવારે ઘરે છતના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજન વહેલી સવારે ઉઠીને જોતા જીતેન્દ્રભાઇ લટકતા હતા. આ જોઈ દેકારો મચાવતા ઘરના બીજા સભ્યો પણ દોડી આવ્યા હતા અને તાકીદે ૧૦૮ને જાણ કરતા 108ના ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ એ-ડિવીઝન પોલીસમને કરવામાં આવતા પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર જીતેન્દ્રભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં બે દિકરી છે. પોતે અખબારી એજન્ટની સાથે વિતરણ કરતા હતા કેટલાક સમયથી આર્થિક સંકડામણ અનુભવતા હોઇ ચિંતામાં પગલુ ભર્યાનું સગાએ જણાવ્યું હતું. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.