#aajkaal team
ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. આ વરસાદનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવી અને અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંયુક્ત અસર છે. જેના કારણે રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે.
વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો
આજે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ધરમપુર તેમજ કપરાડામાં વરસાદી માહોલ સર્જાયો છે. ધરમપુરના ફૂલવાડી, ઝરીયા અને ભેંસધરા સહિત બરોલિયા, ધામણી અને બીલપુડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. નવા વર્ષની શરૂઆતમાં જ વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. વરસાદના કારણે ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન થવાની ભિતી છે.
25 ઓક્ટોબરથી વધારો થવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદની તીવ્રતામાં 25 ઓક્ટોબરથી વધારો થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં તાપી,ડાંગ અને નવસારી જેવા જિલ્લાઓમાં માવઠું પડી શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના સંલગ્ન વિસ્તારો પણ વરસાદની અસર હેઠળ રહેશે. સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હાલમાં પાક લેવાની તૈયારીમાં રહેલા ખેડૂતો માટે આ વરસાદ મોટું નુકસાન પહોંચાડી શકે છે.