રાજકોટમાં કિન્નરો વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર બન્યો છે. ત્યારે આ મામલે હવે ગાંધીગ્રામ પોલીસે અખાડાના ગાદીપતિ મીરા દેને ધમકી આપવાના ગુનામાં ગંજીવાડામાં રહેતી નીકીતા દેની ધરપકડ કરી છે. જ્યારે ધમકી પ્રકરણમાં અન્ય આરોપી સંગીતા રાજીયાને ઝડપી લેવા તપાસ યથાવત રાખી છે. ખરાબ ટેવના લીધે નીકીતાને અખાડામાંથી કાઢી મૂક્યા છતાં તે અખાડાના નામે ભીક્ષાવૃત્તિ કરતી હોય આ બાબતે કહેતા તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
નીકીતા દેને અખાડામાંથી પાંચ મહિના પૂર્વે કાઢી મૂકી હતી
જાણવા મળતી વિગતો મુજબ, જામનગર રોડ પર પરાપીપળિયા ગામે એકતા સોસાયટીમાં રહેતી મીરા દેએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગંજીવાડામાં રહેતી નીકીતા દે અને નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતી સંગીતા ઉર્ફે રાજીયોના નામ આપ્યા હતાં. મીરા દે એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નીકીતા માસીની ખોટી ટેવના લીધે તેને અખાડામાંથી પાંચ મહિના પૂર્વે કાઢી મૂકી હતી. તેમ છતા તેણે અખાડાના નામે ભીક્ષાવૃત્તિ કરવાનું ચાલુ રાખ્યું હતું.
હું રાજકોટમાં ભીક્ષાવૃત્તિ કરીશ જ તારાથી થાય તે કરી લેજે
દરમિયાન ગઇ તા. ૨૭/૧૧ ના રોજ નીકીતાએ રાત્રીના ફોન કરી મીરા દે સાથે ઝઘડો કરી હું રાજકોટમાં ભીક્ષાવૃત્તિ કરીશ જ તારાથી થાય તે કરી લેજે કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સિવાય તેની સાથે રહેલી સંગીતા ઉર્ફે રાજીયાએ પણ ધમકી આપી હતી. જેથી આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો હતો. પીઆઇ એસ.આર.મેઘાણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.બી.જાડેજા તથા ટીમે તપાસ હાથ ધરી નીકીતાને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી જયારે સંગીતાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
વિવાદમાં છ વ્યંઢળોએ સામૂહિક ફિનાઇલ પીધુ’તું
કિન્નરોના આ વિવાદમાં ગત તા. 27 નવેમ્બરની મોડી રાત્રીના ખાટુશ્યામ મંદિર પાસે વ્યંઢળ ખુશ્બુ દે ગોપી દે, સમીરા દે ગોપી દે, બિંદિયા દે મીરા દે, ગોપી દે મીરા દે ટીની મીરા દે કલ્પુ મીરા દેએ એકસાથે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
કિન્નર અખાડામાંથી મીરા દેનો બોયકોટ
રાજકોટ કિન્નર અખાડાના ગાદીપતિ મીરા દેની સામે પડેલા નિકિતા દેના વિરોધમાં ગઈકાલે સમગ્ર ગુજરાતમાંથી કિન્નરોના ગાદીપતિ અહીં એકત્રિત થયા હતા. અમદાવાદ, બરોડા, જૂનાગઢ તેમજ ઉજ્જૈન કિન્નર અખાડા સહિત 70થી વધુ ગાદીપતિ અહીં પહોંચ્યા હતા. કિન્નર નિકિતા દેએ ગાદીપતિ મીરા દે વિરૂધ્ધ કરેલા આક્ષેપોને નકારી તમામ કિન્નરોએ વિરોધ નોંધાવ્યો હતો. નિકિતા દેના ફોટો પર ચપ્પલો મારી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ સાથે જ કિન્નર સમાજમાંથી નિકિતા દેનો બોયકોટનો નિર્ણય લેવામાં આવ્યો છે.