BREAKING NEWS

જેતપર આંદોલનમાં નિલેશ એરવાડિયાની ખેડૂતો સાથે ગદ્દારી, મને એક કરોડની ઓફર કરી: હકાભાના ચોંકાવનારા ખુલાસા

  • July 04, 2026 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





મોરબીના જેતપરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આંદોલનને સમર્થન આપનાર હકાભા ગઢવીએ ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે. હકાભા ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી આ મામલે અનેક મોટા ખુલાસા કર્યા છે.


હકાભા ગઢવી ખેડૂતોના સમર્થનમાં જેતપર આંદોલનમાં જોડાયા હતા. આ દરમિયાન તેમની અને નિલેશ એરવાડિયા વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. ત્યારે આ મામલે હકાભાના જણાવ્યા અનુસાર, સરકાર સાથેની મંત્રણા માટે જ્યારે તેઓએ નિલેશ એરવાડિયા  સાથે વાત કરી, ત્યારે નિલેશ અડવાડિયાએ આંદોલનને પલટાવી દેવા માટે અને સરકાર પાસે માંગણી રજૂ કરવા માટે અગાઉથી 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.


હકાભા ગઢવીએ આક્ષેપ કર્યો છે કે, નિલેશ એરવાડિયા એ તેમને કહ્યું હતું કે, સરકાર પાસે 25 કરોડની માંગણી કરો અને વાતચીત કરવા જતી વખતે 2 કરોડ રૂપિયા એડવાન્સ લો, જેમાં 1 કરોડ રૂપિયા તમારા અને 1 કરોડ મારા. આ વાત સાંભળી હકાભા સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમને આ બાબતે ખૂબ જ ગ્લાનિ અનુભવાઈ હતી. હકાભાએ જણાવ્યું હતું કે, તેઓ આંદોલનમાં ખેડૂતોના સમર્થન માટે આવ્યા હતા, કોઈના ખિસ્સા ભરવા માટે નહીં.


હકાભા ગઢવીએ નિલેશ એરવાડિયાને ગદ્દાર ગણાવતા કહ્યું કે, આ વ્યક્તિ ખેડૂતોને માત્ર હાથો બનાવી પોતાના ફાયદા માટે આંદોલન ચલાવી રહ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે, નિલેશ ઉપવાસના નામે નાટક કરતો હતો અને આંદોલન દરમિયાન દારૂના સેવન જેવી વાતો કરતો હતો. આ ખુલાસા બાદ પોતાના અને પોતાના પરિવાર માટે હકાભા ગઢવીએ પોલીસ સુરક્ષાની પણ માંગ કરી છે.


અંતમાં, હકાભા ગઢવીએ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ હંમેશા ખેડૂતોના હિતમાં તેમની સાથે ઉભા રહેશે અને આ આંદોલન ખેડૂતોનું છે, જે સફળ થયું છે. તેમણે ખેડૂતોને આવા ગદ્દારોથી સાવધ રહેવા અપીલ કરી છે.




એક-બે કરોડ નહીં, 15-20 કરોડની ઓફરો થઇ, મને મારી નાખવાની ધમકીઓ પણ મળી: નિલેશ


હકાભા ગઢવીના આક્ષેપ પર નિલેશ અરવાડિયાની પ્રતિક્રિયા આવી છે. તેમણે જણાવ્યું કે, ખેડૂત આંદોલનને તોડવાના છેલ્લા 10 દિવસથી પ્રયાસ થઈ રહ્યા છે. એક-બે કરોડ નહીં, પણ 15-20 કરોડની પણ ઓફરો થાય છે અને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. એટલે આંદોલનની અંદર આવું બધું ચાલું જ રહે, કારણ કે સરકાર સામે ખેડૂતો પડ્યા છે. તેમણે કહ્યું કે, કેટલા આંદોલન સ્થળે આવીને પહેલા લાલચ આપે છે અને તેમની વાતમાં ન આવી એટલે ધમકી આપે છે. હકાભા ગઢવીના આક્ષેપ સાવ ખોટા છે. આંદોલનને ડેમેજ કરવા આખી ટૂકડી ઉતારવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application