BREAKING NEWS

સાપુતારાના ઘાટ માર્ગ પર ભારતીય સેનાની ટ્રક પલટી, નવ જવાનો ઘાયલ

  • January 28, 2026 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ડાંગ જિલ્લાના સાપુતારાના ડુંગરાળ અને કપરા ઘાટ માર્ગ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રના નાસિકથી રાજસ્થાનના જોધપુર તરફ જઈ રહેલા ભારતીય સેનાના કાફલાને અકસ્માત નડ્યો હતો. સાપુતારા-શામગહાન ઘાટના વળાંક પર સેનાની ટ્રક પલટી ખાઈ જતાં ટ્રકમાં સવાર 13 જવાનોમાંથી નવ જવાનોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.


મળતી માહિતી મુજબ, ભારતીય સેનાનો કાફલો ટ્રક દ્વારા સેનાની તોપ અને અન્ય સંરક્ષણ સાધનો લઈ નાસિકથી જોધપુર તરફ જઈ રહ્યો હતો. સાપુતારા-શામગહાન ઘાટ ઉતરતી વખતે આવેલા કપરા અને સાંકડા વળાંક પર ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવતા ટ્રક રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી. ડુંગરાળ વિસ્તાર અને ઊંચા ઢાળ હોવાના કારણે અકસ્માત વધી રહ્યા છે.


અકસ્માતની જાણ થતા જ ડાંગ જિલ્લા પોલીસ, વન વિભાગના કર્મચારીઓ તેમજ સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી ટ્રકમાં ફસાયેલા તમામ 13 જવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તેમાંમાંથી નવ જવાનોને હાથ-પગ, માથું અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પહેલા સ્થળ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર છે.


અકસ્માતગ્રસ્ત ટ્રકમાં સેનાની તોપ અને અન્ય સંરક્ષણ સામગ્રી લાદેલી હોવાથી વહીવટી તંત્ર અને સેના દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઘટનાસ્થળે અન્ય સૈનિકો, પોલીસ અને વહીવટી અધિકારીઓનો બંદોબસ્ત તાત્કાલિક ગોઠવી દેવાયો હતો જેથી સંરક્ષણ સાધનોની સુરક્ષા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને.


અકસ્માતના કારણે થોડા સમય માટે સાપુતારા-શામગહાન માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. પોલીસે ટ્રાફિક નિયંત્રણમાં લઈ માર્ગને સુરક્ષિત કર્યા બાદ વાહન વ્યવહાર ફરી શરૂ કર્યો હતો. ડુંગરાળ વિસ્તારોમાં વાહન ચલાવતા સમયે વધુ સાવચેતી રાખવાની જરૂર હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ઘટના બાદ ઘાટ માર્ગોની સુરક્ષા અને સંભાળ અંગે પણ ફરી ચર્ચા શરૂ થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application