BREAKING NEWS

નિઠારી કાંડનો આરોપી કોલી ૧૮ વર્ષ બાદ દોષ મુક્ત: સુપ્રીમનો તાત્કાલિક છોડી દેવાનો આદેશ

  • November 12, 2025 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
નિઠારી કાંડના સૌથી ચર્ચિત આરોપી સુરેન્દ્ર કોલીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ક્યુરેટિવ પિટિશનનો સ્વીકાર કરતા તેની અંતિમ સજા રદ કરી દીધી અને તેને સંપૂર્ણ રીતે દોષ મુક્ત જાહેર કરી દીધો છે. આ કેસ 2005-2007 વચ્ચે નોઇડાના નિઠારી વિસ્તારમાં બાળકીઓની સામૂહિક હત્યા સાથે જોડાયેલો છે, જેણે આખા દેશને ચોંકાવી દીધો હતો.

સુરેન્દ્ર કોલી પર કુલ 13 મામલે કેસ ચાલી રહ્યા હતા. જેમાંથી 12 કેસમાં તે પહેલા જ અલાહાબાદ હાઇકોર્ટમાંથી મુક્તિ મેળવી ચૂક્યો છે. જો કે, એક કેસમાં તેની સજા યથાવત્ હતી. સુપ્રીમ કોર્ટે હવે આ મામલે ચુકાદો આપતા કહ્યું કે, એક જ પુરાવા અને તથ્યના આધારે 12 કેસમાં મુક્ત થઈ ચુકેલા આરોપીને એક કેસમાં સજા આપવી ન્યાયની વિરૂદ્ધમાં છે.

સુપ્રીમ કોર્ટે સુરેન્દ્ર કોલીને 15 વર્ષીય બાળકીના દુષ્કર્મ અને હત્યાના કેસમાં સામે આવેલા પુરાવાને નબળા માનીને કહ્યું કે, ગુનો સિદ્ધ નથી થઈ શક્યો. કોર્ટે તેને કોઈ અન્ય કેસમાં કેદ ન હોય તો તેને તુરંત મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

નોંધનીય છે કે, સુરેન્દ્ર કોલી લગભગ 18 વર્ષથી જેલમાં છે. તેની ક્યુરેટિવ પિટિશનની સુનાવણી જાહેર અદાલતમાં થઈ, જે ઘણાં કિસ્સામાં ભાગ્યે જ જોવા મળે છે. આ ચુકાદાથી નિઠારી કેસમાં તેની સામેના અંતિમ કેસનો અંત આવ્યો. કોર્ટે જણાવ્યું કે, ક્યુરેટિવ પિટિશન એ સિસ્ટમમાં થયેલી ભૂલ સુધારવા અને ન્યાય સુનિશ્ચિત કરવાની છેલ્લી તક છે.

ઓક્ટોબર 2023માં, અલ્લાહાબાદ હાઈકોર્ટે કોલીને 12 કેસોમાં અને પંઢેરને બે કેસોમાં નિર્દોષ જાહેર કર્યા હતા, જોકે ગાઝિયાબાદની સીબીઆઈ કોર્ટે તેમને મૃત્યુદંડની સજા ફટકારી હતી. 14 વર્ષની સગીરાના મૃત્યુ સંબંધિત એક કેસમાં સીબીઆઈ કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા હતા. જોકે, અપીલમાં હાઈકોર્ટે પંઢેરને નિર્દોષ જાહેર કર્યા, પરંતુ કોલીની મૃત્યુદંડની સજા યથાવત રાખી

જાન્યુઆરી 2015માં અલ્લાહાબાદ હાઇકોર્ટે આ જ કેસમાં દયા અરજીના નિકાલમાં અસાધારણ વિલંબને ટાંકીને કોલીની મૃત્યુદંડની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી.સીબીઆઈ અને પીડિતોના પરિવારો દ્વારા મુક્તિ સામે દાખલ કરાયેલી તમામ અપીલોને સુપ્રીમ કોર્ટે જુલાઈ 2024માં ફગાવી દીધી હતી. જો કે કોલી આ એક કેસમાં હાઇકોર્ટ દ્વારા આજીવન કેદની સજા મળવાને કારણે જેલમાં જ રહ્યો હતો. આખરે, કોલીની ક્યુરેટિવ પિટિશનને મંજૂરી મળતાં, સુપ્રીમ કોર્ટે તેની આજીવન કેદની સજાને પણ રદ કરી હતી. આ કેસમાં પોલીસ દ્વારા કુલ 19 એફઆઈઆર નોંધવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News