બિહારના મુખ્યમંત્રી તથા જેડીયુના સર્વોચ્ચ નેતા નીતિશ કુમારે રાજ્યના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કહ્યું છે કે હું રાજ્યસભાનો સદસ્ય બનવા માંગુ છું. રાજ્યની નવી સરકારને મારું સમર્થન અને માર્ગદર્શન રહેશે. આ સાથે તેમણે બિહારથી રાજ્યસભાના સાંસદ બનવા માટે ફોર્મ પણ ભરી દીધું છે. તેમની સાથે ભાજપ અધ્યક્ષ નીતિન નબીને પણ ફોર્મ ભર્યું છે. આ પ્રક્રિયા વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે થોડા મહિના અગાઉ જ બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઈટેડના ગઠબંધનને પ્રચંડ બહુમતી મળી હતી. જે બાદ નીતિશ કુમાર જ ફરી રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. જોકે છેલ્લા 2 દિવસથી તેવી અટકળો ચાલી રહી હતી કે તેઓ રાજીનામું આપી શકે છે. એવામાં આજે સવારથી જ નીતિશ કુમારના ઘરની બહાર જેડીયુના કાર્યકરોનો જમાવડો જોવા મળી રહ્યો હતો. એવામાં સવારે લગભગ 11 વાગ્યે નીતિશ કુમારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કહ્યું કે, છેલ્લા બે દાયકાથી તમે લોકોએ સતત મારા પર વિશ્વાસ કર્યો. મેં બિહારના લોકોની પૂર્ણ નિષ્ઠાથી સેવ કરી છે. સંસદીય જીવનની શરૂઆતથી જ મારી ઈચ્છા હતી કે હું બિહારમાં વિધાનસભા અને વિધાનપરિષદ તથા સંસદમાં પણ બંને ગૃહનો સભ્ય બનું. આ જ ક્રમમાં હવે હું રાજ્યસભાનો સભ્ય બનવા માંગુ છું. તમારો અને મારો સંબંધ ભવિષ્યમાં પણ બન્યો રહેશે. નવી સરકારને મારું માર્ગદર્શન રહેશે.
નીતિશ કુમારની સોશિયલ મીડિયા પોસ્ટમાં ૧૧ લાઇન છે. તેમાં કેટલાક સંદેશા સ્પષ્ટ છે. જેમાં લખ્યું છે કે, હું રાજ્યના લોકોનો આભારી છું કે તેમણે મને બે દાયકાથી તેમની સેવા કરવાની તક આપી, મારી લાંબા સમયથી બિહાર વિધાનસભા અને સંસદના બંને ગૃહોના સભ્ય બનવાની ઇચ્છા હતી, નીતિશે સાંસદ બનવાની પોતાની ઇચ્છા પૂરી કરવા માટે મુખ્યમંત્રી પદ છોડી દીધું છે, નીતિશ કુમાર બિહારના લોકો સાથેના તેમના સંબંધો ચાલુ રાખશે, નીતિશ કુમાર રાજ્યના વિકાસ માટે તેમની પ્રતિબદ્ધતા પર કામ કરવાનું ચાલુ રાખશે અને છેલ્લે લખ્યું છે કે, બિહારમાં બનનારી નવી સરકારને નીતિશ કુમારનું સંપૂર્ણ માર્ગદર્શન મળતું રહેશે.
નીતિશ કુમારના રાજ્યસભા જવાથી બિહારના મુખ્યમંત્રી પદ ખાલી થઈ જશે. આવી સ્થિતિમાં, સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આગામી મુખ્યમંત્રી કોણ બનશે. બિહારના રાજકારણમાં ભાજપનો પ્રભાવ જેડીયુ કરતા વધુ છે. આ જ કારણ છે કે નીતિશ કુમાર પછી ભારતીય જનતા પાર્ટી આગામી મુખ્યમંત્રી બની શકે છે.
ભાજપ કોઈ પક્ષ સાથે રહ્યો તેણે તેના સાથી પક્ષને ખતમ કર્યોઃ તેજસ્વી યાદવ
તેજસ્વી યાદવે કહ્યું, જ્યારે પણ ભાજપ કોઈ પક્ષ સાથે રહ્યો છે, ત્યારે તેણે તેના સાથી પક્ષને ખતમ કર્યો છે. ભાજપ આરએસએસના એજન્ડાને અમલમાં મૂકવા માંગે છે. ચૂંટણી દરમિયાન, તેમણે ચૂંટણી પંચને પોતાનો સેલ બનાવ્યો હતો. નીતિશજી સાથે જે થઈ રહ્યું છે તેના પ્રત્યે અમને સંપૂર્ણ સહાનુભૂતિ છે. જો અમે તેમની સાથે હોત, તો નીતિશજીને આ દિવસો જોવા પડ્યા ન હોત. નીતિશજી સ્વસ્થ રહે. બિહાર માટે તેમના બધા કાર્ય માટે અમે તેમનો આભાર માનીએ છીએ.