BREAKING NEWS

બિહારમાં નીતિશ ગુરુવારે શપથ લેશે, ભાજપના બે નાયબ મુખ્યમંત્રીઓ હશે

  • November 17, 2025 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારમાં નવી સરકારની રચના અંગેનું ચિત્ર હવે વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એનડીએ ગઠબંધને કેબિનેટની નવી ફોર્મ્યુલાને લગભગ અંતિમ સ્વરૂપ આપી દીધું છે. 20મીએ ગાંધી મેદાનમાં ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે જેમાં પીએમ મોદી પણ હાજરી આપશે અને નીતિશ કુમારને ફરી મુખ્યમંત્રી પદ સોપવામાં આવશે, જ્યારે ભાજપને બે નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવનાર છે. જેડીયુ પ્રમુખ નીતિશકુમારે આજે સવારે પટનામાં કેબીનેટની અંતિમ બેઠક બોલાવી છે જેમાં વર્તમાન વિધાન સભા ભંગ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવશે અને નીતિશકુમાર પોતાનું રાજીનામું રાજપાલ આરીફ મોહમદ ખાનને રાજભવન જઈને સોપશે. આ ઓપચરીક્તા નવી સરકારના ગઠન માટે થશે, નોંધનીય છે કે વર્તમાંન સરકારનો કાર્યકાળ 22મીએ પૂર્ણ થઈ રહ્યો છે આથી એ મુદત પહેલા બધી વિધિ આટોપવામાં આવી રહી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વખતે કુલ ૩૧ મંત્રીઓ શપથ લઈ શકે છે. જેડીયુ અને બીજેપીને સમાન ૧૩-૧૩ પદ આપવામાં આવી રહ્યા છે. ચિરાગ પાસવાનના એલજીપી (આર) ને ત્રણ, જીતન રામ માંઝીના એચએએમને એક અને ઉપેન્દ્ર કુશવાહાના આરએલએમને એક પદ મળવાની ધારણા છે.જો કે બિહાર કુલ ૩૬ મંત્રીઓની નિમણૂક કરી શકે છે, પરંતુ આ વખતે પાંચ પદો જાણી જોઈને ખાલી રાખવામાં આવી રહ્યા છે, જે ભવિષ્યમાં રાજકીય જરૂરિયાતોને આધારે ભરવામાં આવશે.


ભાજપને બે નાયબ મુખ્યમંત્રી આપવાની ફોર્મ્યુલાને સહમતી

ચુંટણીમાં ભાજપના ઉત્તમ પ્રદર્શનને પગલે, પાર્ટીને બે નાયબ મુખ્યમંત્રી પદ આપવા પર સર્વસંમતિ છે. આનો હેતુ સંગઠન અને સરકાર વચ્ચે સંતુલન બનાવવાનો છે. આ ફોર્મ્યુલાને યુપી મોડેલ જેવું જ ગણાવવામાં આવી રહ્યું છે, જે વિવિધ પ્રદેશો અને સામાજિક જૂથોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરે છે.આ વખતે, કેબિનેટ વિસ્તરણમાં બેઠકોની સંખ્યાના આધારે છ ધારાસભ્યો માટે એક મંત્રીની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી છે. ભાજપે ૮૯ બેઠકો જીતી, જેડીયુએ ૮૫ બેઠકો મેળવી, જ્યારે એલજેપી (આરવી), એચએએમ અને આરએલએમએ પણ પોતપોતાના મતવિસ્તારમાં સારું પ્રદર્શન કર્યું. મંત્રીપદનો ગુણોત્તર આના આધારે નક્કી કરવામાં આવ્યો છે.


સ્પીકરનું પદ ભાજપના ક્વોટામાં જશે

સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી સરકારની રચના વચ્ચે બીજી એક રસપ્રદ ઘટના સામે આવી છે કે સ્પીકરનું પદ ભાજપના ક્વોટામાં જશે. ગઠબંધનમાં ભાજપની વધેલી ભૂમિકા અને સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. આનાથી વિધાનસભાની કામગીરી પર પાર્ટીની પકડ પણ મજબૂત થશે.જેના અનુસંધાને ભાજપ વિધાનસભા પક્ષની એક મહત્વપૂર્ણ બેઠક આજે સવારે પટણામાં યોજાશે. આ બેઠકમાં સંભવિત મંત્રીઓની યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને બે નાયબ મુખ્યમંત્રી પદ માટે નામો પણ નક્કી થઈ શકે છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહે તેવી અપેક્ષા છે.


નીતિશ કુમારે 2015માં ગાંધી મેદાનમાં જ શપથ લીધા હતા

નવ નિયુક્ત મંત્રી મંડળનો શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે યોજાનાર છે .નીતિશ કુમારે 2015માં પણ ગાંધી મેદાનમાં જ શપથ લીધા હતા. 17 થી 20 નવેમ્બર સુધી ગાંધી મેદાન જાહેર જનતા માટે બંધ રાખવામાં આવ્યું છે. ગાંધી મેદાનમાં મોટી સંખ્યામાં લોકોને સમાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વધુમાં, શપથ ગ્રહણ સમારોહ માટે એક ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવશે અને સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક રાખવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application