નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ હવાઈ મુસાફરોને મોટી રાહત આપતા એર ટ્રાન્સપોર્ટ સર્ક્યુલરમાં મહત્વના સુધારા કર્યા છે. આગામી 20 એપ્રિલ થી તમામ એરલાઇન્સ કંપનીઓએ તેમની ફ્લાઇટની ઓછામાં ઓછી 60 ટકા સીટો કોઈપણ વધારાના ચાર્જ વગર એટલે કે મફતમાં ઉપલબ્ધ કરાવવી પડશે. અત્યાર સુધી માત્ર 20 ટકા સીટો જ ફ્રી મળતી હતી, જ્યારે બાકીની 80 ટકા સીટો માટે મુસાફરોએ ₹200 થી લઈને ₹2,100 સુધીનો વધારાનો ચાર્જ ચૂકવવો પડતો હતો.
પરિવારો માટે મોટી રાહત: હવે નહીં વિખૂટા પડવું પડે
મુસાફરોની લાંબા સમયથી ફરિયાદ હતી કે એક જ પીએનઆર (PNR) પર ટિકિટ બુક કરાવી હોવા છતાં, એરલાઇન્સ કંપનીઓ પરિવારના સભ્યોને વિમાનના અલગ-અલગ ખૂણે સીટો ફાળવતી હતી. સાથે બેસવા માટે કંપનીઓ પૈસાની માંગણી કરતી હતી. હવે DGCA એ સ્પષ્ટ કર્યું છે કે, એક જ PNR પર મુસાફરી કરતા પ્રવાસીઓને શક્ય હોય ત્યાં સુધી એક જ હરોળમાં અથવા આજુબાજુની સીટો જ ફાળવવી પડશે. બુકિંગ વેબસાઇટ્સ પર સીટ સિલેક્શનના નિયમો અને અન્ય ચાર્જ અંગે સંપૂર્ણ પારદર્શિતા રાખવી પડશે. રમતગમતના સાધનો કે સંગીતના સાધનોના ટ્રાન્સપોર્ટ ચાર્જ અને નુકસાન અંગેની શરતો પણ સ્પષ્ટપણે દર્શાવવી પડશે.
શું ભાડામાં થશે વધારો?
DGCA ના આ નિર્ણયથી એરલાઇન્સ કંપનીઓમાં ફફડાટ ફેલાયો છે. ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઇસ જેટ જેવી કંપનીઓના સંગઠન 'ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ' (FIA) એ આ નિર્ણય સામે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે.
એરલાઇન્સ કંપનીઓનું કહેવું છે કે સીટ સિલેક્શન દ્વારા થતી કમાણી તેમના મહેસૂલનો મોટો હિસ્સો છે. જો 60 ટકા સીટો ફ્રી કરી દેવામાં આવશે, તો કંપનીઓને મોટું નુકસાન થશે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે કંપનીઓ મૂળ હવાઈ ભાડા (Base Fare) માં વધારો કરી શકે છે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
ક્યારથી લાગુ થશે નવો નિયમ?
મંત્રાલયના નિર્દેશ બાદ 20 માર્ચે સર્ક્યુલરમાં સુધારો કરવામાં આવ્યો હતો. નિયમ મુજબ, સર્ક્યુલર જારી થયાના 30 દિવસ પછી એટલે કે 20 એપ્રિલ, 2026 થી આ નવો નિયમ સમગ્ર દેશમાં અમલી બનશે. ભારતમાં દરરોજ અંદાજે પાંચ લાખ મુસાફરો હવાઈ મુસાફરી કરે છે, ત્યારે આ નિર્ણયથી લાખો મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક ફાયદો થવાની આશા છે.