BREAKING NEWS

કન્વેન્શન સેન્ટરનું ટેન્ડર કોઇએ ન ભર્યું

  • December 03, 2025 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની સંપૂર્ણ આર્થિક સહાયથી અટલ સ્માર્ટ સિટી એરિયામાં નિર્માણ થનારા કન્વેન્શન સેન્ટર પ્રોજેક્ટ માટે પ્રસિધ્ધ કરાયેલા ટેન્ડરમાં કોઇ એજન્સીએ રસ નહીં દાખવતા હવે રિટેન્ડર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટવાસીઓ છેલ્લા ૨૫ વર્ષથી કન્વેન્શન સેન્ટરની માંગણી કરી રહ્યા હતા જે મંજૂર થઈ અને રાજકોટ મહાપાલિકાને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સંપૂર્ણ આર્થિક સહાયથી અટલ સ્માર્ટ સિટી એરિયામાં કન્વેન્શન સેન્ટર બનાવવા ઠરાવ પણ મંજૂર કર્યો. ઠરાવ બાદની પ્રથમ કાર્યવાહીના ભાગરૂપે ટ્રાન્ઝેક્શન એડવાઇઝર કમ કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા મહાપાલિકા દ્વારા રાષ્ટ્રીય કક્ષાનું ટેન્ડર પ્રસિદ્ધ કરી દેશભરની એજન્સીઓને આમંત્રિત કરવામાં આવી હતી પરંતુ ટેન્ડરની મુદ્દત પૂર્ણ થવા સુધીમાં એક પણ એજન્સીએ ટેન્ડર ભર્યું ન હતું જેથી હવે રિટેન્ડર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

મહાપાલિકાની ચૂંટણી પૂર્વે કન્વેન્શન સેન્ટર પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવા સઘન વિચારણા ચાલી રહી છે. પીએમ અથવા સીએમના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. અલબત્ત હાલ તો ટેન્ડર પ્રકિયામાં કોઇએ રસ નહીં દાખવતા હવે રિ ટેન્ડર કરવા પૂરજોશમાં કાર્યવાહી શરૂ કરાઇ છે. મહાપાલિકાની ચૂંટણી આડે હવે ત્રણેક મહિના જેવો સમય બાકી છે. જો ત્યાં સુધીમાં ટેન્ડર ફાઇનલ થઇ જાય તો જ ચૂંટણી પૂર્વે ખાતમુહૂર્ત થઇ શકે તે સ્વાભાવિક છે.પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થયા બાદ પણ હજુ તો પ્રોજેક્ટનું પ્લાનિંગ શરૂ થશે, વાસ્તવિક કન્વેન્શન સેન્ટર બિલ્ડિંગ સાકાર થતા તો કદાચ પાંચેક વર્ષ વિતશે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક તબક્કે લોકમુખે એવી ચર્ચા પણ સાંભળવા મળતી હતી કે આ પ્રોજેક્ટનું કામ કોને મળશે તે એજન્સી નક્કી જ છે ! જો કે કોઇએ ટેન્ડર નહીં ભરતા હવે આ મામલે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application