BREAKING NEWS

ભાજપના સંગઠન માળખાની જાહેરાતમાં કોળી સમાજનું કોઈ નહીં

  • January 22, 2026 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ભાજપના પ્રદેશ સંગઠન માળખાની બાકી રહેલી રચના પૂરી કરી દેવામાં આવી છે. જોકે આ જાહેરાત થતાની સાથે જ કોળી સમાજમાં ભડકો થયો છે. સંગઠન માળખામાં પ્રદેશ કારોબારીના 79 અને પ્રદેશ વિશિષ્ટ આમંત્રિતના 26 મળીને કુલ 105 નામની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ તેમાં ક્યાંય કોળી સમાજના કોઈનું નામ નથી.

જ્ઞાતિવાદના રાજકારણમાં પાટીદારો જેટલું જ પ્રભુત્વ ધરાવતી કોળી જ્ઞાતિના આગેવાનોને શા માટે ભાજપે સંગઠન માળખાથી દૂર રાખ્યા હશે? તેવા સવાલો પણ પુછાઈ રહ્યા છે. સંગઠન માળખાની રચના વખતે આવું ભૂલથી થયું છે કે ઇરાદાપૂર્વકની ચાલ છે ?તેવા સવાલો પણ પૂછાઇ રહ્યા છે.

નવા સંગઠન માળખાની રચના થતાની સાથે જ કોળી સમાજના આગેવાનો એકબીજા સાથે ટેલિફોનિક સંપર્કમાં આવી ગયા છે અને આ મામલે પ્રદેશ ભાજપમાં સામૂહિક રીતે રજૂઆત માટેનો તખતો પણ ગોઠવાઈ રહ્યો છે. જો પ્રદેશ ભાજપથી રજૂઆત પછી કોઈ ખાસ નિરાકરણ નહીં આવે તો આ સમગ્ર મામલે દિલ્હીમાં રજૂઆત કરવાની તૈયારીઓ પણ સાથોસાથ શરૂ થઈ હોવાનું જાણવા મળે છે.

ભારતીય જનતા પક્ષના બંધારણ મુજબ પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ હોદ્દેદારો સહિત કુલ 106 ની પ્રદેશ કારોબારી હોય છે. પ્રદેશ હોદ્દેદારોની અગાઉ જાહેરાત થઈ ચૂકી હતી અને તારીખ 19 ના રોજ 79 પ્રદેશ કારોબારી સભ્યો અને 26 પ્રદેશ વિશેષ આમંત્રિત સહિત કુલ 105 નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ કારોબારીના બાકી રહેતા સંગઠન માળખાના નવા સભ્યોની જાહેરાતમાં કોળી સમાજના કોઈનું નામ ન આવતા ભારે દેકારો બોલી ગયો છે.

ભાજપના એક આગેવાને જણાવ્યું હતું કે અત્યારે ઘણા બધા લોકોની અપેક્ષા કંઈક મેળવવાની છે. ભાજપનો પરિવાર મોટો બની ગયો છે અને મર્યાદિત સંખ્યામાં હોદાઓ હોય છે .છેલ્લા કેટલાક સમયથી મંત્રીમંડળના વિસ્તરણ થી માંડી જુદી જુદી બાબતોમાં રાજકોટને અન્યાય થઈ રહ્યો છે તેવી લાગણી વ્યાપક પ્રમાણમાં વ્યક્ત થઈ હતી અને સંગઠન માળખાની રચનામાં રાજકોટમાંથી 6 આગેવાનોને સ્થાન આપવાનું આવ્યું છે અને રાજકોટની રોષની લાગણી ટાઢી પાડવા પ્રયાગ કરાયો છે. આવા પ્રયાસમાં હવે કોળી સમાજ દ્વારા અન્યાયની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. એક સાંધે ત્યાં તેર તૂટે તેવી આ પરિસ્થિતિ છે.

ભાજપના આગેવાને જણાવ્યું હતું કે કોંગ્રેસમાંથી કે અન્ય રાજકીય પક્ષોમાંથી ભાજપમાં આવેલા આગેવાનોને લાલ લાઈટ વાળી ગાડીથી માંડી હોદાઓ આપવામાં આવે છે. પરંતુ સંગઠન માળખામાં આવા મૂળ ભાજપના ન હોય તેવા લોકોને સ્થાન અપાતું નથી અથવા તો અનિવાર્ય સંજોગો માં આપવામાં આવે છે.

મહાનગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી નજીકના ભવિષ્યમાં તોળાઈ રહી છે. સંભવત એપ્રિલ મે માસમાં ચૂંટણી યોજાઈ તેમ લાગે છે અને બરાબર આવા ટાણે જ કોળી સમાજમાં ભાજપમાં અસંતોષની લાગેલી આગ ભવિષ્યમાં કેવું સ્વરૂપ લે છે અને ડેમેજ કંટ્રોલ માટે કેવા પ્રયાસો થાય છે તે જોવાનું રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application