શહેરમાં આવાસના નબળા બાંધકામ અંગે કોઈ જવાબદાર નહીં, પણ ભાડુઆતો સામે કાર્યવાહી
શહેરમાં આવાસના નબળા બાંધકામ અંગે કોઈ જવાબદાર નહીં, પણ ભાડુઆતો સામે કાર્યવાહી
November 24, 2025 03:15 PM
શહેરમાં સુભાષનગરમાં આવાસ યોજનાના પાયા નખાયા ત્યારથી જ કોઈને કોઈ વિવાદ છેંડાય છે. નબળા બાંધકામ મામલે રહીશોએ તંત્ર સામે બંડ પોકાર્યુ છે, તો બીજી બાજુ તંત્રએ ભાડુઆતો ખાલી કરવા કાર્યવાહી કરે છે. ૩૨૦ આવાસમાંથી ૧૨૦ ભાડુઆતને ત્રણ દિવસમાં આવાસ ખાલી કરવા મહેતલ આપી હતી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અમીરજી પાર્ક સુભાષનગર ફાઇનલ પ્લોટ નંબર ૨૯ ખાતે કુલ ૩૨૦ આવાસો માટે ભાડુઆતનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં હાલ સ્થળે ૧૨૦ ભાડુંઆતો મળી આવ્યા હતા, જ્યારે ૧૦૫ મૂળ લાભાર્થીઓ અને ૯૫ બંધ મકાનો જોવા મળ્યા હતા. જેમાં ભાડુંઆતોને ત્રણ દિવસમાં મકાન ખાલી કરવા માટે સ્થળ પર સૂચના આપી હતી અને સ્થળ પર નોટિસની પણ બજવણી કરવામાં આવશે. મકાન ભાડુઆત દ્વારા ખાલી કરવામાં નહીં આવે તો આ મકાનને સીલ કરવામાં આવશે. તંત્રએ ભાડુઆતોને ખાલી કરવાની ચેતવણી ઉચ્ચારી છે, જેની બીજી બાજુ અહીં પ્રવેશ દ્વાર સામે જ બારે મહિના કચરો, ગંદકી જોવા મળે છે, સમયાંતરે છતમાંથી પોપડા ખરે છે, તેના માટે કોણ જવાબદાર ? તેવો રહીશોએ સવાલ ઉઠાવ્યો હતો. તંત્રએ પ્રાથમિક સુવિધા અને લાભાર્થીઓના પડતર પ્રશ્નોની દિશામાં પણ ભાડુઆતને મકાન ખાલી કરવા જેટલી કડકાઈથી દાખવવા માંગણી ઉઠી છે.